નેત્રંગના ઘણીખૂટ ગામે કરજણ નદી પર આવેલાં રમપમ ધોધથી ઓળખાતા ધારીયા ધોધ ઉપર વિકેન્ડ માણવા આવેલાં બે યુવાનો ડૂબી જતાં મોત ને ભેટ્યાં હતા. જયારે અન્ય ડૂબતા યુવકને બચાવી લેવાયો હતો. આ યુવકની તબિયત વધારે લથડતાં અંકલેશ્વર ખાતે રીફર કરવામાં આવ્યો હતો.
રવિવારે જંબુસર તાલુકામાં ઊબેર ગામનાં લોકો નેત્રંગ ખાતે આવેલા સ્વામી નારાયણ મંદિરે આત્મીય સ્નેહ મિલનમાં આવ્યાં હતાં. આ કાર્યક્રમ રવિવારે સાંજે સાત વાગ્યા બાદ ચાલું થવાનો હતો. ગામથી વેહલા આવી જતાં નેત્રંગ નજીક ધાણીખૂંટ ગામે આવેલા કરજણ નદી પરના રમપમ ધોધની મુલાકાતે ગયા હતા. જ્યાં નાહવા પડેલાં સાથી મિત્રો સાથે અચાનક આ ઘટના બની હતી. પોલીસ સ્ટેશને જાણ થતાં નેત્રંગ પોલિસે સ્થળ ઉપર દોડી જઈ તપાસ કરી હતી. અન્ય એક યુવક ને 108 મારફતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ બાદ અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ રેફર કરાયો હતો. જ્યારે વિશાલ પરમાર અને રાકેશ પઢિયારને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યાં હતાં.
નદીથી નજીક રહેતા હસમુખ વસાવાએ કહ્યુંકે નદીથી નજીક મારુ ઘર આવેલું છે, અંદાજે ત્રણેક વાગ્યે નદી પાસેથી જોરથી બૂમો સંભળાતી હતી, કુતૂહલવશ શું થયું તે જોવા હું દોડતો ગયો, મારી ફળિયાના લોકો પણ દોડ્યા. નજીક જોયું તો માણસોનું ટોળું હતુ. બે જણ નદીમાં ડૂબી રહ્યાં હતા. કંઈ પણ વિચાર્યા વગર અમે નદીમાં ઝંપલાવી એકાદ કલાકની મહેનત બાદ બે જણને પાણીની બહાર કાઢ્યા હતા. યુવાનોએ ખૂબ પાણી પી લીધું હતું.