આગામી તા.૨૮ માર્ચથી શરૂ થતી ધો-૧૦ અને ધો-૧૨ની પરીક્ષા વ્યવસ્થા સુચારૂ રીતે ગોઠવાય તેવુ આયોજન કરવા અર્થે સમીક્ષા બેઠક કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટરશ્રીએ વિદ્યાર્થીઓને પરીક્ષાઓનો ભય ન રહે તેમજ કોઇ અવ્યવસ્થા ન રહે તે માટે કંટ્રોલરૂમ સહિતની વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી એસ.ટી વિભાગને વાહન વ્યવસ્થા ગ્રામ્ય વિસ્તારમાં જળવાઈ રહે તે માટે સુદઢ આયોજન ગોઠવવા તથા પોલીસ, આરોગ્ય, વિજળી વિભાગને પણ પોતાના વિભાગની કામગીરી સુપ્રેરે અદા કરવા જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં પરીક્ષા સંબંધે થયેલ તૈયારીઓની રૂપરેખા, વિદ્યાર્થીઓની સંખ્યા, બ્લોક વ્યવસ્થા તેમજ કેન્દ્ર સંચાલક અને ખંડ નિરીક્ષકોને પરીક્ષાના સુચારૂં આયોજન માટે તાલીમ અને માર્ગદર્શક સેમિનારનું આયોજન અંગેની માહિતી જિલ્લા શિક્ષણાધિકારી નવનિત મહેતાએ આપી હતી. વધુમાં તેમણે ભરૂચ જિલ્લામાં ધો-૧૦માં કુલ-૩૨ કેન્દ્રો, ૮૩ બિલ્ડીંગ અને કુલ-૨૩૯૬૨ વિદ્યાર્થીઓ, ધો-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં કુલ-૦૪ કેન્દ્રો, ૧૬ બિલ્ડીંગ અને કુલ-૩૧૪૫ અને ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ-૧૨ કેન્દ્રો, ૨૮ બિલ્ડીંગ અને કુલ-૭૫૯૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. સમગ્ર જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રો પર સી.સી.સી. કેમેરાથી સજ્જ કરાયા હોવાનું પણ જણાવ્યું હતું.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ તા.૨૭/૦૩/૨૦૨૨ થી તા.૧૩/૦૪/૨૦૨૨ સુધી સવારે ૦૭:૦૦ કલાકથી રાત્રિના ૨૦:૦૦ કલાક સુધી કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. કંટ્રોલ રૂમનો ટેલિફોન નંબર – ૦૨૬૪૨ – ૨૪૦૪૨૪ છે.

આ પ્રસંગે રાજ્યકક્ષાએથી વિડીયો કોન્ફરન્સ પણ યોજાઈ હતી જેમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, ડીવાયએસપી અને શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓ સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here