ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ડાંગ દરબારના પ્રથમ દિવસે વૈશ્વિક સ્તરે ખ્યાતિ પામેલુ ડાંગ જિલ્લાનુ આદિવાસી ડાંગી નૃત્ય ધવલીદોડના પ્રગતિ યુવક મંડળે રજુ કર્યુ હતુ. તો અનાવલ (કોષ) ના બાળ કલાકારો શ્રદ્ધા અને વિજય ગૃપ દ્વારા ‘આદિવાસીની પડે એન્ટ્રી’ ગીત ઉપર આકર્ષક ડાન્સ પર્ફોર્મન્સ રજુ થયુ હતુ.
આ ઉપરાંત પ્રથમ દિવસે સ્થાનિક બાળ કલાકાર બાળાઓએ, દેશરંગીલા ગીત ઉપર નૃત્ય રજુ કર્યુ હતુ. તો ડાંગના કલાકાર સની જાદુગરે પણ સૌને મંત્રમુક્ત કર્યા હતા. યુ ટ્યુબ ઉપર ધૂમ મચાવનારા RT ડાંગી કોમેડીના કલાકારોએ પણ પ્રેક્ષકોને મનોરંજન પૂરૂ પડ્યુ હતુ.
સ્થાનિક કલાકારો ઉપરાંત રાજસ્થાની ઘુમર, પંજાબી ભાંગડા, ગુજરાતી રાસ ગરબા, તાપીનુ ઢોલ નૃત્ય, દાહોદનુ તલવાર, સહિયારા નૃત્ય, ચકરી નૃત્ય સાથે કચ્છી ઘોડીએ પણ અહીં ધૂમ મચાવી હતી.
ગુજરાત પ્રવાસન નિગમ લી. ના સૌજન્યથી રોજેરોજ યોજાઇ રહેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રથમ દિવસે પ્રાંત અધિકારી આર.એમ.જાલંધરા, સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો માટેની સમિતિના ચેરમેન અને જિલ્લા શિક્ષણાધિકારી મણીલાલ ભુસારા, કાર્યપાલક ઇજનેર એસ.આર.પટેલ સહિતની પ્રશાસનિક અધિકારીઓ, અને વાસુરણાના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.