ભરૂચની સિવિલ હૉસ્પિટલ કોઈને કોઈ વાતે વિવાદમાં રહે છે. આ વખતે કોઈ અલગ જ મુદ્દાને લઈને હૉસ્પિટલ વિવાદમાં આવી છે. જેમાં ભરૂચ સિવિલ હૉસ્પિટલના કેમ્પસમાં લઇ જવાતી ૨૮ થી ૩૦ પોટલી દેશી દારૂ મળી આવતા હાહાકાર મચી ગયો છે.
જોકે આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે તાત્કાલીક ભરૂચ જનરલ હોસ્પીટલ ખાતે દોડી આવી આ દારૂની પોટલીઓ લઈ ને આવેલ ૩૨ વર્ષીય પ્રકાશ ઉર્ફે ગણેશ મણીલાલ વસાવા રહે માંડવા, રોડ ફળીયું અને માંડવાના વસાવા ફળીયામાં રહેતા ૨૫ વર્ષીય રાકેશ નવીન વસાવાની અટકાયત કરી તેમનીપાસે થેલામાં રહેલ ૨૮ થી ૩૦ દેશી દારૂની પોટલી કબ્જે કરી બંન્નેવ વિરૂધ ૫ લીટર દેશી દારૂના અલગ-અલગ કેસ નોંધી કાર્યવાહી આરંભી છે.
પોલીસ પુછતાછમાં આ બંન્નેવે આ દેશી દારૂ તેમના કોઇ સગા કે જે હાલમાં સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ છે તેમને આપવા લાવ્યા હોવાનો ઘટસ્ફોટ કરતા પોલીસ અને સિવિલ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું.
આમ તો કોઇ સ્વજન કે સગા માંદા પડે અને સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ થાય તો સામન્ય ખબર પુછતા પરિજનો કહેતા કે દવા દારૂ બરાબર કરજે જે ઉક્તી ભરૂચ સિવિલ હોસ્પીટલના આ કિસ્સામાં સાર્થક કરતા હોય તેમ સગાની સહુલીયત માટે દેશી દારૂની પોટલીઓ લઈ કેમ્પસમાં ધૂસવાનો પ્રયાસ આ ઇસમોએ કરવા જતા સિક્યુરીટીની સ્મયસુચકતા અને કડક ચેકીંગના પગલે ઝડપાઇ જવા પામ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ઠેર ઠેર સરળતાથી દેશી અને વિદેશી દારૂ મળી રહે છે. જોકે, સિવિલ હૉસ્પિટલના કેમ્પસમાં દારૂ મળી આવતા ખૂબ ચર્ચા જાગી છે.દારૂ મળી આવવાની ઘટના બાદ ખુદ પોલીસ અને હૉસ્પિટલનું તંત્ર ચોંકી ઉઠ્યું હતું. પોલીસ હાલ એવી તપાસ કરી રહી છે કે શું સિવિલમાં જ નશાનો કારોબાર ચાલી રહ્યો છે કે શું? આવા અનેક સવાલોના જવાબની લોકોને રાહ રહેશે.