-
ઓલપાડ તાલુકામાં મકાઈ અને ચોખામાંથી ઈથેનોલ બનાવવાની બે ફેકટરીઓ સ્થાપવામાં આવશે: કૃષિ રાજ્યમંત્રી
કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકામાં જિલ્લા પંચાયતની પીંજરત સીટમાં સમાવિષ્ટ ગામોમાં રૂ.૧.૪૬ કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ કર્યું હતું. જેમાં અરિયાણા ગામે રૂ.૧૧ લાખ, તેના ગામે રૂ. ૫૯.૨૫ લાખ અને નાની ખોસાડીયા ગામે રૂ. ૬.૨૫ લાખના ખર્ચે રસ્તા, દિહેણ ગામે રૂ.૧૦.૩૮ લાખ, સેલુત ગામે રૂ. ૧૦ લાખના પેવરબ્લોક, છીણી ગામે રૂ.૮ લાખના ખર્ચે પેવરબ્લોક અને નળ સે જળ યોજના અંતર્ગત ૭૦ નળ કનેક્શનના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ ભાંડુત-૨ ગામે રૂ.૧૪ લાખ અને પીંજરત ગામે રૂ.૨૭ લાખના ખર્ચે પેવર બ્લોકનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકામાં અનેક વિકાસ કામો તીવ્ર ગતિએ થઈ રહ્યાં છે. ઓલપાડના તમામ ગામોમાં ઘરેલુ ગેસલાઈન પહોંચાડવાના લક્ષ્ય સાથે છેવાડાના તમામ ગામોમાં હળપતિ આવાસ હેઠળ આર.સી.સી મકાન બનાવવા અંગે પણ સરકાર દ્વારા વિચારણા થઈ રહી છે.
મંત્રીએ પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ઓલપાડ તાલુકામાં મકાઈ અને ચોખામાંથી ઈથેનોલ બનાવવાની બે ફેકટરીઓ સ્થાપવામાં આવશે, જેથી ચોખા અને મકાઈનું વાવેતર કરનાર ખેડૂતોને સીધો નફો મળશે, આ બે પાકોની માંગમાં વધારો થશે. તેમણે ઉપસ્થિત નવા ચૂંટાયેલા સરપંચ અને સભ્યોને જનસેવા કરવાની તક મળી છે, ત્યારે ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ મળે તે અંગે કાર્ય કરવા દિશાસુચન કર્યું હતું.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અમિત પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સામાજિક અગ્રણીઓ, સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.