- બાજુની કંપની અને ટ્રક પણ ભડકે બળી
- સોલ્વન્ટ ડિસ્ટીલેશનના કારણે ભીષણ આગનું પ્રાથમિક તારણ
- બાજુમાં આવેલી યોગીરાજ પેકેજીંગ કંપની અને એક ટ્રકને પણ આગે ચપેટે લીધી
- 15 ફાયર ફાઈટરોએ ફોર્મ અને પાણીનો મારો ચલાવી આગને કાબુ મેળવ્યો
અંકલેશ્વર GIDC માં આવેલ મહાકાળી ફાર્માકેમ કંપનીના પ્લાન્ટમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી. સોલ્વન્ટના કારણે આગે ગોટે ગોટા સાથે સમયાંતરે ધડાકા થતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ફાયર ટેન્ડરના સાયરનોથી ગુંજી ઉઠી હતી. આ આગની ચપેટમાં નજીકમાં આવેલી યોગીરાજ પેકેજીંગ કંપની અને એક ટ્રક પણ ભડકે બળવા લાગી હતી.
અંકલેશ્વર GIDCમાં આવેલ શ્રી મહાકાળી ફાર્મા કેમ કંપનીમાં સવારે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી.આ આગ સોલ્વન્ટમાં લાગી હોવાના કારણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભીષણ આગ અને આકાશમાં ઊંચે સુધી ઉડતા ધુમાડાના ગોટે ગોટા વચ્ચે ધડાકાઓ થતા કામદારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભીષણ આગનો કોલ 11.30 કલાકે મળતા SDM, DYSP, મામલતદાર, પી.આઈ. , સેફટી એન્ડ ફાયર ડિપાર્ટમેન્ટ સાથે ભરૂચ, અંકલેશ્વર પાલિકા, પાનોલી, DPMC, ONGC ના 15 જેટલા ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા.
જેમણે પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કંટ્રોલમાં લેવા કવાયત હાથ ધરી હતી. આ આગની ચપેટમાં નજીકમાં આવેલી અન્ય એક યોગીરાજ પેકેજીંગ કંપની પણ આવી હતી. પેકેજીંગ કંપની સાથે નજીકમાં ઉભી રહેલી એક ટ્રક પણ બાળીને ખાખ થઇ ગઈ હતી. ફાયર ફાયટરોએ બે કલાક ઉપરાંતની જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
ભરૂચ, અંકલેશ્વર પાલિકા, નોટિફાઇડ, ડીપીએમસી, ઓ.એન.જી.સી., પાનોલી ના ૧૫ જેટલા ફાયર ટેન્ડરોએ આગ કાબુમાં લઈ લીધા બાદ કુલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી. આગની ઘટનાની ગંભીરતાને પગલે મામલતદાર અને ડી.વાય.એસ.પી., પી.આઈ. સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. સોલ્વન્ટ ડીસ્ટીલેશનની પ્રક્રિયા દરમિયાન સ્ટેટિક ચાર્જ કે શોર્ટસર્કિટથી આગ ભભૂકી હોવાનું ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારી પાઠક તરફથી પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.