ભરૂચના ઝઘડીયા તાલુકાના સારસા ગામે પટેલ ફળિયામાં રહેતા એક ૬૧ વર્ષીય વૃધ્ધ રહીશ પર એક વાનરે હુમલો કરીને ઇજાગ્રસ્ત કર્યા હતા. રમેશભાઈ છોટાભાઇ પટેલ ઉર્ફે રાવજીભાઇ રેવાદાસ પટેલ નામના આ નાગરિક આજરોજ સવારના સમયે તેમના ઘરની બહાર બેઠા હતા ત્યારે ત્યાં કેટલાક વાનરો આવી ચડ્યા હતા. રાવજીભાઇએ તેમને ત્યાંથી હટાવવાની કોશિશ કરતા એક કપિરાજ ઉશ્કેરાયો હતો અને તેણે રીતસર રાવજીભાઇ પર હુમલો કર્યો હતો.

વાનરે હુમલો કરતા તેઓને પગ પર ઇજાઓ થવા પામી હતી. જોકે સદનશીબે આ જોઇને ફળિયાના કેટલાક યુવાનો ત્યાં દોડી આવતા વાનરો ભાગી ગયા હતા, અને રાવજીભાઇ વધુ ઇજાથી બચી ગયા હતા. જોકે આ ઘટના બાદ તેમને સારવાર માટે લઇ જવાયા હતા, અને ઇજાગ્રસ્ત ભાગે ટાંકા લેવા પડ્યા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સારસા ગામે વ‍ાનરો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. વાનરો દ્વારા ઘણા મકાનોની છત પર થતી કુદાકુદથી મકાનોના નળીયા પણ તુટી રહ્યા છે. આગળ પણ ઘણાબધા ગ્રામજનો વાનરોના હુમલાનો ભોગ બન્યા હતા, અને ઘણા ગ્રામજનો ગંભીર રીતે જખ્મી થતા તેઓને સારવાર માટે આગળ લઇ જવા પડ્યા હતા.છાસવારે બનતી આવી ઘટનાથી ગ્રામજનોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here