• ઉછીના લીધેલા ૮૫.૮૭ લાખ મિત્રને પરત નહીં આપી છેતરપિંડી આચરી
  • સી ડિવિઝન પોલીસ મથકે પિતા અને બે પુત્રો સામે ફરિયાદ નોંધાઈ

ભરૂચ શહેરમાં આવેલા ચુનીલાલ પોપટલાલ જવેલર્સના ભાગીદાર પિતા-પુત્રોએ ઉછીના લીધેલા નાણાં ૮૫.૮૭ લાખ મિત્રને પરત નહીં આપી છેતરપિંડી કરી હતી. જેને લઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

ભરૂચના મકતમપુરમાં આવેલ ગાયત્રી ફ્લેટમાં રહેતા પંકજકુમાર ઈશ્વર ઉમરીગર જે સુરત મહા નગર પાલિકામાં નોકરી કરે છે. તેઓ પાસે ભરૂચની નામાંકિત જ્વેલર્સ ચુનીલાલ પોપટલાલના ભાગીદાર દિનેશ મુકેશચંદ્ર ચોક્સી,બ્રીજેશ મુકેશચંદ્ર ચોક્સી અને તેઓના પિતા મુકેશચંદ્ર જયેન્દ્ર ચોક્સીએ દેવું ચૂકવવા માટે ઉછીના નાણાંની માંગણી કરી હતી. જેથી પંકજકુમાર ઈશ્વર ઉમરીગરે પોતાના મિત્ર કૃણાલ મિસ્ત્રી, દિપક વસાવા અને મુકેશ રાજપૂત સહિતના અન્ય લોકો પાસેથી લઈ અલગ અલગ રીતે કુલ ૮૫.૮૭ લાખ આપ્યા હતા.

આ ઉછીના નાણા પરત માંગવા લેણદારો પાસે તેમના ઘરે વિઠ્ઠલ પટેલ સોસાયટી ખાતે ગયા હતા. દરમિયાન પિતા-પુત્રોએ નાણાં નહીં હોવાનું જણાવી ભરૂચની ભોલાવ જી.આઈ.ડી.સી.માં આવેલા કેનોઈ મિનરલ વોટર પ્લાન્ટ નોટરી રૂબરૂ વેચાણ કરાર કરી આપ્યો હતો. જોકે, વેચાણ દસ્તાવેજ કરી આપવા વાયદો કરી વેચાણ દસ્તાવેજ નહીં કરી પ્લાન્ટનો કબ્જો પણ સોપ્યો ન હતો. તેમજ ૧૨ કિલોના સોના-ચાંદીના ઘરેણાં અને ત્રણ ચેક આપ્યા હતા. જે સોના-ચાંદીના ઘરેણા નકલી હતા અને ચેક રિટર્ન થતાં તેઓ પોતે છેતરાયા હોવાનું માલૂમ પડ્યું હતું. આ છેતરપિંડી અંગે પંકજકુમાર ઈશ્વર ઉમરીગરે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ખાતે પિતા અને બે પુત્રો સામે ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here