ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોટામાલપોર ગામે સરકારી નકશા પર દર્શાવેલા વર્ષો જૂના જાહેર રસ્તા પર કેટલાક માથાભારે ઈસમો દ્વારા પથ્થરો ખડકી માર્ગ અવરોધી દેવાતાં સમગ્ર ગામમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે ગ્રામજનોએ એકઠા થઈને નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક દબાણો હટાવવાની માંગ કરી છે.

ગ્રામજનો પાસે મળતી વિગત અનુસાર, ગામના પ્રવેશદ્વાર પાસે બુધિયા દેવજીની સંયુક્ત માલિકીના સર્વે નં. 119માંથી નકશા મુજબનો સત્તાવાર જાહેર રસ્તો પસાર થાય છે. પરંતુ કેટલાક ખાનગી જમીન માલિકોએ આ રસ્તા પર ગેરકાયદે દબાણ કરી તેને અત્યંત સાંકડો કરી નાખ્યો છે.એટલું જ નહીં, છેલ્લા કેટલાક સમયથી અહીં મોટા પથ્થરો મૂકીને લોકોની અવરજવર માટે રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ માર્ગ મોટામાલપોર મુખ્ય બસ સ્ટેન્ડ તેમજ ગામના સ્મશાનગૃહ તરફ પહોંચવા માટેનો એકમાત્ર જીવાદોરી સમાન રસ્તો છે. રસ્તો બંધ થઈ જતાં ખેડૂતોને ખેતરે જવામાં, વિદ્યાર્થીઓને શાળા-કોલેજ પહોંચવામાં અને સામાન્ય રાહદારીઓને રોજિંદી અવરજવરમાં અત્યંત હાલાકી ભોગવવી પડી રહી છે.
ગ્રામ પંચાયતના સહી-સિક્કાવાળા સત્તાવાર નકશાની નકલ સાથે ગ્રામજનોએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી આ ગેરકાયદે અવરોધ દૂર કરી રસ્તો ખુલ્લો કરાવવા અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે.જો વહીવટીતંત્ર દ્વારા આ મામલે સત્વરે નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. વધુમાં, કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હસ્તક્ષેપ કરી ન્યાય આપવો જરૂરી છે.





