તાલુકા કક્ષાએ યોજાયેલા કલામહાકુંભમાં અલમાવાડી પ્રાથમિક શાળા (પીએમશ્રી ગુજરાત)ની વિદ્યાર્થિનીઓએ અર્વાચીન ગરબાની સ્પર્ધામાં અનોખી રજૂઆત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. 14 વર્ષ સુધીની વયજૂથની કેટેગરીમાં અર્વાચીન ગરબાની રજૂઆત કરનાર અલમાવાડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓને સ્પર્ધામાં બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ સાથે જ શાળાની દીકરીઓએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે આગળનું સ્થાન મેળવ્યું છે.

કલા મહાકુંભમાં પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા એમ બે વિભાગમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલમાવાડી પીએમશ્રી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ “માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે…” ગરબાના મધુર શબ્દો સાથે અર્વાચીન ગરબાની કૃતિ રજૂ કરી હતી.

આ રજૂઆતનું વિશેષ આકર્ષણ એ રહ્યું હતું કે તમામ વિદ્યાર્થિનીઓએ પરંપરાગત માટલીનો ગરબો માથા પર મૂકીને તેમાં દીવો પ્રગટાવ્યો હતો અને ગરબે ઘૂમીને ભારતીય સંસ્કૃતિ તથા પરંપરાનું સુંદર નિદર્શન કરાવ્યું હતું. દીકરીઓની આ અનોખી રજૂઆતથી ગરબાની આગવી છાપ ઊભી થઈ હતી અને પરંપરાગત ગરબાની સંસ્કૃતિને કલાત્મક રીતે રજૂ કરવાનો પ્રયાસ જોવા મળ્યો હતો.

તાલુકા કક્ષાના આ કલામહાકુંભમાં વિવિધ શાળાઓ દ્વારા અલગ-અલગ વિભાગોમાં કુલ નવ ગરબાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જોકે, 14 વર્ષ સુધીની વયજૂથની અર્વાચીન ગરબાની કેટેગરીમાં અલમાવાડી પ્રાથમિક શાળા સિવાય અન્ય કોઈ સ્પર્ધક કૃતિ ન હોવાથી શાળાની વિદ્યાર્થિનીઓને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવી હતી. હવે આ વિદ્યાર્થિનીઓ જિલ્લા કક્ષાએ યોજાનારી સ્પર્ધામાં પોતાની પ્રતિભા રજૂ કરશે.

અલમાવાડી પીએમશ્રી પ્રાથમિક શાળાની દીકરીઓએ પરંપરા અને કલાનો સમન્વય સાધીને શાળાનું નામ રોશન કરતાં શાળા પરિવારમાં આનંદની લાગણી પ્રસરી હતી. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થિનીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં અને જિલ્લા કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here