ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની વિલાયત GIDCમાં આવેલી આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીના નામે ફરી એકવાર વાયુ પ્રદૂષણને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. કંપનીની એક ચીમનીમાંથી કાળા ડિબાંગ ધુમાડા નીકળતા હોવાની ચર્ચાએ સ્થાનિક સ્તરે ચિંતા જગાવી છે. આ ચીમની કંપનીના ફાઇબર વિભાગની હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે સવાલ એ છે કે જો ઔદ્યોગિક એકમોમાંથી આ પ્રકારે ધુમાડા નીકળતા હોય તો તેની પાછળનું વાસ્તવિક કારણ શું છે? શું કંપની દ્વારા પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું યોગ્ય પાલન થઈ રહ્યું છે કે પછી નિયમોની અમલવારી માત્ર કાગળ પર જ સીમિત રહી છે?

જોકે, ધુમાડાના સ્વરૂપ અને તેની પાછળના કારણોની સત્તાવાર પુષ્ટિ થવી હજુ બાકી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વિલાયત GIDCના આસપાસના વિસ્તારોમાં સાંજના સમયે અને વહેલી સવારે અત્યંત દુર્ગંધયુક્ત વાતાવરણ સર્જાતું હોવાની ફરિયાદો છે. જો આ પરિસ્થિતિ વારંવાર ઊભી થતી હોય તો તેને સામાન્ય ગણીને અવગણવી એ સ્થાનિકોની મુશ્કેલીઓ પ્રત્યે આંખ આડા કાન કરવા સમાન છે. ઔદ્યોગિક વિકાસના નામે આસપાસના લોકોના રહેઠાણ વિસ્તારમાં દુર્ગંધ અને સંભવિત વાયુ પ્રદૂષણની સમસ્યા ઊભી થતી હોય તો તેના મૂળ સુધી પહોંચવું અનિવાર્ય છે.

સૌથી મોટો સવાલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે ઊભો થાય છે. શું સંબંધિત વિભાગ આ ધુમાડા અને દુર્ગંધની ફરિયાદોની ગંભીરતાથી તપાસ કરશે? શું કંપનીની ચીમનીમાંથી નીકળતા ઉત્સર્જનનાં સેમ્પલ લેવામાં આવશે? શું સાંજના અને વહેલી સવારના સમયે અચાનક સ્થળ તપાસ કરીને હવાની ગુણવત્તાનું માપન કરવામાં આવશે? જો નિયમોનો ભંગ થતો હોવાનું પુરવાર થાય તો જવાબદાર એકમ સામે કડક કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે? માત્ર કચેરીમાં બેસીને રિપોર્ટની રાહ જોવાને બદલે મેદાનમાં ઊતરીને વાસ્તવિક સ્થિતિ ચકાસવાની હવે જરૂર છે. સ્થાનિકોની ફરિયાદોને ગંભીરતાથી લઈને GPCB દ્વારા તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, ચીમનીના ઉત્સર્જન અને આસપાસની હવાની ગુણવત્તાની વૈજ્ઞાનિક ચકાસણી થાય તથા તપાસના તારણો જાહેર કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી રહી છે. જો પ્રદૂષણના નિયમોનો ભંગ સાબિત થાય તો જવાબદાર કંપની સામે કાયદા મુજબ કડક પગલાં લેવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here