
ભરૂચ તાલુકાના થામ અને દેરોલ ગામની વચ્ચે ગત રાત્રે લગભગ ત્રણ વાગ્યે એક ભયંકર માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક મહાકાય બોઈલર લોડેડ ટ્રકે એક પિક-અપ ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે પિક-અપ ટેમ્પોના ચેસીસના વચ્ચેથી બે ટુકડા થઈ ગયા હતા. સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રિના અંધારામાં અને વહેલી સવારના સમયે આ ઘટના બની હતી. બોઇલર લોડ કરીને જઈ રહેલા ટ્રકના ચાલકે બેફામ ડ્રાઇવિંગના કારણે પિક-અપ ટેમ્પોને એવી જોરદાર ટક્કર મારી કે પિક-અપ ગાડીની હાલત અત્યંત ગંભીર બની ગઈ અને તેના મુખ્ય ભાગના બે ટુકડા થઈ ગયા હતા.
અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક તાત્કાલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે સ્થાનિક લોકોની સતર્કતા અને કાર્યવાહીને કારણે આ ડ્રાઇવર દેરોલ ગામ નજીક એક પેટ્રોલ પંપ પાસેથી ઝડપાઈ ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. અકસ્માતની જાણ થતાં જ પિક-અપ ટેમ્પોના માલિકે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. અને ટ્રક ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સદભાગ્યે જાનહાનિના કોઈ મોટા સમાચાર નથી. પરંતુ આ ગમખ્વાર અકસ્માતને કારણે માલ-સામાન અને વાહનને મોટું નુકસાન થયું છે. પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.