
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટી પર પહોંચી ગયું છે, જેના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો જળમગ્ન થઈ ગયા છે. હાલમાં નર્મદા નદીની સપાટી 24 ફૂટને પાર કરી ગઈ છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.
ભરૂચના છાપરા ગામ સહિત નદીકાંઠાના અનેક ગામોના ખેતરોમાં પાણી પ્રવેશતા આ સિઝનમાં વાવેલો પાક નાશ પામવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ ભારે ખર્ચ કરીને પાકનું વાવેતર કર્યું હતું અને વર્ષભરની તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે, જો જળસ્તર આ જ રીતે વધતું રહેશે તો આખો પાક નાશ પામશે. આ પરિસ્થિતિને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે, અને તેઓ સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે. આ મુદ્દે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય સહાય પૂરી પાડવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.