
દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં ભરૂચ જિલ્લાના ત્રાલસા કોઠી ગામના ત્રણ યુવાનોના દર્દનાક મોત નિપજ્યા છે. મૃતક યુવાનોની ઓળખ શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ તરીકે થઈ છે.
મળતી માહિતી મુજબ, આ ત્રણેય યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા. આજે સવારે તેઓ પોતાના કામ માટે વાહનમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાહનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ભયાનક જ્વાળાઓમાં ત્રણેય યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં રોજગારી અર્થે જાય છે. આ ત્રણેય યુવાનો પણ પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. આ અકસ્માતના સમાચાર ગામમાં પહોંચતા જ મૃતકોના પરિવારજનો પર આભ તૂટી પડવા સાથે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયેલો છે.