ભરૂચ ભોલાવ જિલ્લા પંચાયતમાં મૈત્રી નગરના કોમન પ્લોટ ખાતે ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની અધ્યક્ષતા અને જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય જાહેર સભા યોજાઈ હતી.
ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈ 6 ટર્મના સાંસદ અને 7મી વખતના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની જાહેરસભાનું શુક્રવારે સાંજે આયોજન કરાયું હતું.સભા સ્થળે જનમેદની વચ્ચે ફટાકડા ફોડી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનું ભવ્ય સ્વાગત સાથે તેઓને પુષ્પગુચ્છ અને ફુલહાર અર્પણ કરી ઉષ્માભેર આવકાર અપાયો હતો.
ભરૂચ બેઠકના ભાજપ ઉમેદવારે ભરૂચ, ગુજરાત કે દેશ હોય સુરક્ષા અને વિકાસ મોદી પરિવારની વચનબદ્ધતા રહી હોવાનું પ્રજાને સંબોધ્યું હતું. ગર્વ સાથે રાષ્ટ્ર અને ભારત માતાની ભક્તિમાં ભાજપનો દરેક કાર્યકર કાર્યરત હોવાનું જણાવી આજે જનજન ભાજપ અને મોદી સરકારને ફરી સત્તાનું સુકાન સોંપવા સમર્પિત હોવાનો આનંદ વ્યકત કર્યો હતો.જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ભરૂચ બેઠક પર નખશીખ પ્રમાણિકનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રમાણપત્ર મેળવનાર મનસુખ વસાવા 7મી વખત 5 લાખ કરતા પણ વધુ મતોથી વિજય થઈ દેશમાં સૌથી સિનિયર સાંસદનો ખિતાબ મેળવશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
વધુમાં 15 એપ્રિલે શક્તિનાથ મહાદેવનું પૂજન અર્ચન કર્યા બાદ ત્યાંથી પગપાળા રેલી કાઢી કલેકટર કચેરીએ પોહચી ભાજપના ઉમેદવાર નામાંકન કરશે તેવી માહિતી આપી હતી. લોકસભાની ચૂંટણીમાં ફરી ભાજપ અને મોદી સરકારના હાથ મજબૂત કરવા જનજન ઉત્સાહિત હોવાનું તેમણે કહ્યું હતું.ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ નરેન્દ્ર મોદીના નામ, કામ, આભા, પ્રતિભાથી પ્રભાવિત આજે દરેક નાગરિક હોવાનો ગર્વ વ્યક્ત કર્યો હતો. ભરૂચના ભોલાવ સહિત લોકસભાના તમામ મતદારો મતદાન કરવા અને કરાવવા મોદી પરિવારમાં કટિબદ્ધ હોવાનું અંતે તેમણે ઉમેર્યું હતું.
ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીએ સંગઠન અને કાર્યકરોની મહેનતને બિરદાવવા સાથે મોદીમય માહોલ પ્રજામાં સર્વત્ર જોવા મળી રહ્યો હોય. જે ભાજપ અને મોદી સરકારના કાર્યોને આભારી હોવાનું ગણાવ્યું હતું.સભામાં મહામંત્રી નિરલ પટેલ, ભરૂચ પાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, તાલુકા પંચાયત પ્રમુખ, ગ્રામ પંચાયત સરપંચ, ડે. સરપંચ, યુવા પ્રમુખ, હોદેદારો, પદાધિકારીઓ, કાર્યકરો સાથે ભોલાવ વિસ્તારની પ્રજા મોટી સંખ્યામાં હાજર રહી હતી.