ગુજરાતમાં એજ્યુકેશન મોડલને લઈને ગર્વ અનુભવતા નેતાઓ દ્વારા ક્યારેય બાળકોના હિતમાં રજૂઆત કરવામાં આવતી હોય તેવું જવલ્લે જ બને છે. સામાન્ય રીતે બાળકના વજન કરતાં દફતરનું વજન વધારે હોય છે. વિદ્યાર્થીઓની ઉંમર અને શારીરિક બાંધાને ધ્યાનમાં રાખીને એ પ્રકારે વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે બાળકોને પુસ્તકો ઊંચકવામાં તકલીફ ન પડે.
જો અમદાવાદના નરોડાના ધારાસભ્યએ બાળકોના દફતરના વજનને લઈને શિક્ષણ અધિકારીને રજૂઆત કર્યા બાદ અમદાવાદની તમામ સ્કૂલોમાં બાળકના દફતરનું વજન તેના વજનથી દસમા ભાગનું હોય તે રીતે વ્યવસ્થા કરવા માટે શિક્ષણ અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી તો આ અંગે ભરૂચના જાગૃત ધારાસભ્ય આ વાતને ધ્યાને લઈને શિક્ષણ અધિકારીને બાળકોના હિતમાં તમામ સ્કૂલોને બાળકોને જરૂરિયાત હોય તેટલા જ પુસ્તકો મંગાવવાની સૂચના આપવાની સાથે સાથે બાળકના વજનનું 10 માં ભાગનું વજન દફતરનું રહે તે મુજબ વ્યવસ્થા કરવા કયારે જણાવશે ? તમામ શાળાઓને આ બાબતે સૂચના આપવામાં આવે સાથે રાજ્યભરમાં આ નિયમ લાગુ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.