ભરૂચમાં માત્ર બે ઇંચ વરસેલા વરસાદે નગરના હાલ બેહાલ કરવા સાથે લોકોને મુસીબતમાં મૂકી દીધા હતા.
હવામાન વિભાગના એલર્ટ વચ્ચે ભરૂચ જિલ્લામાં શનિવારથી જ મેઘરાજાનો મુકામ સમયાંતરે જોવા મળ્યો હતો. રવિવારે સવારે ભરૂચ, અંકલેશ્વર, વાગરા અને ઝઘડિયામાં મેઘરાજા મનમૂકીને વરસી પડતા નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબતર કરી દીધા હતા.
ભરૂચમાં પાલિકા તંત્રના આયોજન અને કામગીરીના અભાવે નગરજનોએ અનેક સમસ્યાઓ ભોગવવાનો વારો આવ્યો હતો. ગાંધીબજારમાં અધૂરી છોડલી કામગીરી ના પગલે ખુલ્લી ગટરમાં એક બાળક ખાબક્યો હતો. જોકે તેને આસપાસના લોકોએ તુરંત બહાર કાઢી બચાવી લીધો હતો.
ફુરજા વિસ્તારમાં તો વરસાદી પાણી વચ્ચે ખુલ્લી ગટરો છલકાતા જાણે ધસમસતા વહેણમાં રેલ આવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વેપારીઓની દુકાનોમાં પાણી ઘુસી જતા માલ સામાન બચાવવા દોડધામ મચી ગઇ હતી.ભાગકોટમાં વરસાદ વચ્ચે દીવાલ ધરાશય થઈ હતી. તો ચિંગસપુરામાં પાણી ભરાવા સાથે ગંદકીથી લોકો ત્રસ્ત બન્યાં હતા. સોનેરી મહેલ આચારવાડની ખડકીમાં ભુવો પડતા લોકોની અવરજવર બાધિત થવા સાથે રોષ જોવા મળ્યો હતો.
સવારે 10 વાગ્યા સુધીમાં ભરૂચમાં 59 મિમી, વાગરા 49 મિમી, અંકલેશ્વર 43 મિમી અને ઝઘડિયા 42 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જંબુસરમાં 25 મિમી, આમોદમાં 24 મિમી, વાલિયા 14 મિમી, નેત્રંગ 11 અને હાંસોટમાં 10 મિમી વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં અત્યાર સુધી મૌસમનો 3523 મિમી એટલે કે 51.92 ટકા વરસાદ વરસી ચુક્યો છે.