ઝઘડીયા તાલુકાના પાણેથા નર્મદા કાંઠે અને વડોદરા જીલ્લાના દિવેર-મઢી કિનારે હજારો લોકો ઉમટી પડ્યાં
શાળાઓમાં ઉનાળુ વેકેશન અને કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા નજીકથી પસાર થતી નર્મદા નદીમાં સ્નાન કરવા લોકોનુ કીડીયારૂ ઉભરાયુ હતું. શાળાઓના ઉનાળા વેકેશનની ઉજવણી કરવા અને કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકોએ ઝઘડીયાના પાણેથા નર્મદા નદીના કાંઠે નર્મદા નદીમાં સ્નાન કરી મજા માણી હતી હાલ રાજ્યભરમાં ભારે ગરમીનો લોકો સામનો કરી રહ્યાછે ગરમીથી ત્રસ્ત થયેલા લોકો રાહત મેળવવા સ્વિમિંગ પુલો,પહાડોમાંથી વહેતા કુદરતી ધોધ,વન્ય વિસ્તારોમાં ફરી ગરમીથી રાહત લઇ રહ્યા છે.ત્યારે ભરૂચ,અંકલેશ્વર,તેમજ દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ હાલ ઝઘડીયાના પાણેથા નજીકથી વહેતી નર્મદા નદીમાં સ્નાન કરી ગરમીથી રાહત મેળવી મજા માણી રહ્યાછે. ઝઘડીયા તાલુકાના પાણેથા નજીકથી પસાર થતી નર્મદા નદીમાં હાલ ઉનાળાને લઇને પાણીની આવક ઘટી હોઇ ગરમીથી ત્રસ્ત બનેલા લોકોએ રીતસર પડાપડી કરી સ્નાન કરવાની મજા માણી હતી શાળાઓમાં ઉનાળુ વેકેશનની રજાઓના દિવસોમાં લોકો નર્મદા કિનારે બાળકો,વૃધ્ધો સહિત ઉમટી પડ્યા હતા અને કાંઠા વિસ્તારમાં મળતી મકાઇ,પાપટીના લોટની ઝ્યાફત માણી આનંદ મેળવ્યો હતો.
પાણેથા નજીકની નર્મદા નદીના કિનારે એક તરફ ઝગડીયા તાલુકાનો વિસ્તાર છે. ત્યાં ઝઘડીયા તાલુકાના લોકો તેમજ રાજપારડી,ઉમલ્લા,ઝઘડીયા,ભરૂચ,અંકલેશ્વર,તેમજ દક્ષિણ ગુજરાતના લોકો સ્નાન કરવા ઉમટ્યા હતા જ્યારે બીજી તરફ સામે પારના વડોદરા જીલ્લાના દિવેર ગામના મઢીના કિનારે પણ સેંકડો લોકો સ્નાન કરવા ઉમટી પડ્યા હતા નર્મદામાં સ્નાન કરવા આવતા લોકોની સંખ્યા વધુ હોઇ વાહનોના પાર્કિંગ એરીયામાં પણ વાહનોનો ખડકલો નજરે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભુતકાળમાં વડોદરા જીલ્લાની હદમાં આવતી નર્મદા નદીમાં સ્નાન કરતી વખતે કેટલાક લોકો ઉંડા પાણીમાં ડુબી જતા મોતને ભેટવાના બનાવો બન્યા હતા ત્યારે ભરૂચ તેમજ વડોદરા જીલ્લાના તંત્ર દ્વારા લોકોની સલામતી માટેના પગલા ભરવામાં આવે તે લોકહિતમાં યોગ્ય પગલુ લેખાશે.