
જુના ભરૂચમાં પણ માનવ વસ્તી રહે છે,તેઓ પણ વોટર્સ છે નો ખ્યાલ સફાળા જાગેલ ચૂંટાયેલા પાંખ અને તેના જવાબદાર હોદ્દેદારોને આવતા વિકાસની ઘોડાગાડી માંડમાંડ ધક્કામારી પાંચબત્તીથી સોનેરી મહેલનો ટેકરો ચઢાવતા કહી ખુશી કહી ગમના દ્રષ્યો સર્જાવા પામ્યા હતા.
લાંબા સમયથી જૂના ભરૂચની પ્રજા તેમની પ્રાથમિક સુવિધાઓની કાગડોળે રાહ જોતી હતી પરંતુ કોઇ કારણોસર આ વિસ્તારની ચુંટાયેલ પાંખને પ્રજા દ્વારા કરાયેલ રજૂઆત રૂપી વેદના દેખાતી ન હતી અથવા તો તેમણે કરેલ પ્રજાની રજૂઆત યોગ્ય જગ્યાએ સાંભળવામાં આવતી ન હોય તેમ વિકાસ રૂપી ઘોડાગાડી પાંચબત્તિ થી સોનેરી મહેલનો ટેકરો ચઢતા હાંફી જતી હતી.
જેને ચુંટણી જાહેર થતાં જ બે મહિના અગાઉનો વર્ક ઓર્ડર અચાનક કોન્ટ્રાકટરને પણ યાદ આવતા સ્થાનીક ચુંટાયેલ હોદ્દેદારો સાથે મળી માંડ માંડ આ વિકાસની ઘોડાગાડીને સોનેરી મહેલ સુધી લાવવામાં આવતા પ્રજા અને કોન્ટ્રાકટર વચ્ચે ગુણવત્તાને કારણે શાબ્દીક યુદ્ધ છેડાયું હતું. જો કે અંતે વિકાસ ઝંખતી પ્રજાએ નમતું જોખી રસ્તાના કામને આગળ ધપવા દીધું હતું.
હવે જોવું એ રહ્યું કે શું આ ઘોડાગાડી જુના ભરૂચના બાકી રહેલા વિસ્તારો,શેરીઓમાં રસ્તા,ગટર,લાઇટ સહિતની સુવિધાઓ આપવા સક્ષમ બનશે કે પછી અહીં પણ થોડું કરી બહુ વિકાસ થયાનો સંતોષ માની સતાપક્ષ ફરી વાયદાની વણઝાર સાથે ફોટો સેશન કરાવશે તે તો હવે આવનાર ચુંટણી તેમજ પાલિકાની ચુંટણીનું પરિણામ જ નક્કી કરશે.