ભરૂચના લખીગામ અને દહેજ ખાતે આવેલ એલ.એન.જી. કંપનીમાં જે ૯ જેટલા લેન્ડ લુઝરો છે તેમને નોકરીમાં સમાવવાની માંગ સાથે કંપની દ્વારા અપાતા તમામ ફાયદા આપવા ગત રોજ તા. ૧૭ થી કંપનીના મેઇન ગેઇટ સામે મંડપ બાંધી લેન્ડ લુઝરોએ કંપની સામે આંદોલનના મંડાણ કર્યા છે.
આ અંગે પ્રતિભાવ આપતા દહેજ ગ્રામપંચાયત સરપંચે જણાવ્યું કે કંપની દ્વારા જે લેન્ડ લુઝર છે તેમને નોકરીના છ વર્ષ વિત્યા બાદ ફરી આઇ.ટી.આઇ. કે અન્ય કોર્ષ કરવા ફરજ પડાય છે જેના સ્થાને તેમની શૈક્ષણિક લાયકાત મુજબ તેમને કંપનીમાં નોકરી પર રખાય તેવી તેમની માંગ કંપનીએ પુરી કરવી જોઇએ વળી તેમને નોકરીમાં નથી પ્રોબેશન પર રાખતા કે નથી કાયમીનો નિમણુંક પત્ર આપતા જેથી કંપની તરફથી મળતા તમામ લાભોથી જમીન ગુમાવનાર લેન્ડ લુઝરો જ વંચિત રહ્યા છે જે બાબતે પણ કંપનીએ ન્યાય કરવો પડશેનું જણાવી લેન્ડ લુઝરોને સમર્થન આપ્યું હતું.
તો કંપનીમાં કામ કરતા લેન્ડ લુઝરોના કહેવા મુજબ કંપની દ્વારા બાકી રહેલા લેન્ડ લુઝરોને નોકરી અપાતી નથી તેમજ જે નોકરી પર લીધા તે લેન્ડ લુઝરોને ટ્રેનીંગ બાદ પણ ના તો પ્રોબેશન કે કાયમી નિમણુંક અપાય છે. જેના પગલે તેમને મળતું ફેમીલી મેડીકલ જેવા અન્ય લાભોથી પણ વંચિત રહેવાય છે. કંપનીમાં વારંવાર રજૂઆત છતાં કંપની સત્તાધિશો કાયમી કરવા કે લાભો આપવામાં ગલ્લા તલ્લા કરી કામ કરતા કર્મીઓને હેરાનગતી કરે છે જેથી ના છુટકે ન્યાય મેળવવા આંદોલન કરવા ફરજ પડી છે.
જો આગામિ દિવસોમાં તેમને ન્યાય નહીં મળેતો તેઓ કંપનીના ગેઇટની સામે જ પેટ્રોલ કે ડીઝલ છાંટી આત્મહત્યા કરશેની ચિમકી પણ તેમણે ઉચ્ચારી હતી.