
ભરૂચ એસઓજીની ટીમે વર્ષ 2020ના ડિસેમ્બર મહિનામાં વાગરા તાલુકામાં આવેલાં ચાંચવેલ ગામની સીમમાંથી પસાર થતી ઓએનજીસી ગંધારની પાઇપમાં ગેરકાયદે રીતે વાલ્વ બેસાડી ક્રૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
વાગરા તાલુકાના ચાંચવેલ ગામની સીમમાંથી પસાર થતી ઓએનજીસી ગંધારની પાઇપલાઇનમાં ગેરકાયદે વાલ્વ બેસાડી ઓઇલ ચોરીનું કૌભાંડ વર્ષ 2020માં ડિસેમ્બર મહિનામાં ઝડપાયું હતું. એસઓજીની ટીમે ઝડપી પાડેલાં કૌભાંડમાં આરોપીઓ વોન્ટેડ હતાં. દરમિયાનમાં એસઓજીની ટીમે તે પૈકીના બે આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં.
પ્રાથમિક તપાસમાં આમોદના આછોદ ગામે રહેતો ઇકબાલ નિઝામ પઠાણ તેના સાગરિત ઇમ્તિયાઝ એહમદ દેડકો પટેલે વડોદરાના ભાયલી ખાતે રહેતાં અને ઓએનજીસીની પાઇપલાઇનોમાં ભંગાણ પાડી વાલ્વ બેસાડવાના માસ્ટર માઇન્ડ એવા વિજય ઉર્ફે મુન્નો ગણપત ગોહિલની મદદથી કારસાને અંજામ આપ્યો હોવાની માહિતી સાંપડી હતી.
પોલીસે તેમના વિરૂદ્ધમાં વાગરા પોલીસ મથકે આઇપીસી 379,120બી તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3 અને 7 તેમજ પેટ્રોલિયમ એન્ડ મિનરલ પાઇપ લાઇન એક્ટની કલમ 15(1) તથા 15 હેઠળ ગુનો નોંધ્યો હતો. ટીમે તેમને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યાં હતાં.
જોકે, તેઓ પોલીસને બે વર્ષથી ચકમો આપી રહ્યાં હતાં. દરમિયાનમાં એસઓજી પીઆઇ એ. એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એક ટીમ પાલેજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તેવેળાં કોન્સ્ટેબલ સુરેશ વણઝારાને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી પૈકીના ઇકબાલખાન તેમજ વિજય પાલેજ વિસ્તારમાંથી પસાર થવાને જેને પગલે તેમણે વોચ ગોઠવી બન્નેને ઝડપી પાડ્યાં હતાં.