
આમોદ પાસેથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૬૪ અત્યંત બિસ્માર બનતા આજ રોજ આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખે આમોદ મામલતદારને આવેદનપત્ર આપી તેનું રીકાર્પેટિંગ કરાવવાની માંગ કરી હતી.જો ૮ મી ઓક્ટોબર સુધીમાં રીકાર્પેટિંગ નહીં કરવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાસેથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ વર્ષ ૨૦૧૭-૧૮ માં સુરતની રોયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીએ ૧૩.૪૦ કરોડ ના ખર્ચે બનાવ્યો હતો.જે રોડ ટૂંક જ સમયમાં બિસ્માર બની ગયો હતો.કોન્ટ્રાકટર દ્વારા ડિવાઈડર ઉપર રિફ્લેક્શન લાઈટ કે સાઇન બોર્ડ એસ્ટીમેન્ટમાં હોવા છતાં લગાવ્યા નથી.જેના કારણે આ રોડ ઉપર વારંવાર અકસ્માતના બનાવો બને છે અને વાહન ચાલકોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે.
હાલ આ માર્ગ ઉપર બે થી ત્રણ ફૂટ ઊંડા ખાડા જોવા મળી રહ્યા છે.જેની વારંવાર રજૂઆત કરતા ખાડા કાચા મેટલ નાખી પુરાણ કરવામાં આવ્યું હતું.પરંતુ ફરીથી મેટલ નીકળી જતાં નેશનલ હાઇવે ઉપર ખાડા યથાવત રહ્યા છે.જાડી ચામડીના ભ્રષ્ટાચારી અધિકારીઓ જાણે બહેરા અને મુંગા બનીને બેઠા હોય તેમ કોઈ કામગીરી કરતા નથી.જેથી આજે શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ બરફવાલાએ આમોદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.જેમની સાથે આમોદ શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા હતાં.
- રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ