
ભરૂચ નગર પાલિકા દ્વારા શહેરમાં અંધારપટ વચ્ચે નવી લાઈટોની ખરીદી કરવામાં આવી હતી. જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ વિપક્ષે કર્યા છે. ત્યારે પાલિકા કચેરી ખાતે વિપક્ષના નેતા સહિત નગર સેવકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
ભરૂચ શહેરમાં નગર પાલિકા તંત્ર દ્વારા લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઈટ કેટલાક વિસ્તારમાં બંધ હોવાની ફરિયાદ ઉઠી હતી. જેના પગલે પાલિકા દ્વારા નવી લાઈટોની ખરીદી કરવામાં આવી હતી. આ લાઈટો રૂપિયા 825ને બદલે 1250માં ખરીદી તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બુમો ઉઠતા જ તંત્ર દ્વારા તાબડતોડ લાઈટો ઉતારી લેવામાં આવી હોવાના આક્ષેપ સાથે આજરોજ વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદ, નગર સેવક હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી સહિતના નગર સેવકોએ લાઈટ કમિટી ચેરમેનની કેબિનમાં પ્રવેશ કરી ભારે હોબાળો મચાવ્યો હતો.ભરૂચ શહેરમાં લાઈટો બંધ હોવાના બનાવો તેમજ ઘોળે દિવસે લાઇટો ચાલુ હોવાના બનાવો બન્યા છે. જેને લઇ લાઈટ વિભાગ ખાડામાં ગયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતા.
તો બીજી તરફ પાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ શહેરમાં લાઈટોને લઇ 750 ઉપરાંતની ફરિયાદની કમ્પ્લેઇન સોલ્વ કરી હોવા સાથે નગર પાલિકામાં ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયો હોવાના વિપક્ષના આક્ષેપોને નકારી ટેન્ડર પ્રક્રિયા નિયમ મુજબ કરવામાં આવી છે. સાથે જે ફરિયાદ કરવામાં આવી છે જેમાં તપાસ કરી દોષિત જણાશે તેવા કર્મીઓ સામે પગલા ભરવાની ખાતરી આપી હતી. તેમજ જ્યાં લાઈટો લગાવવાની બાકી છે ત્યાં કામગીરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.