
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામની નર્મદા હાઇસ્કૂલના બાળકો ભરૂચ-ઝણોર બસમાં ચઢવાની કોશિષમાં હતાં. ત્યારે ૩ છાત્રોના પગ બસના ટાયરમાં આવી જતાં તેમને નાની-મોટી ઇજાઓ થઇ હતી. આ ઘટનાને પગલે આસપાસના ગામલોકોએ તુરંત બસ સ્થળ પર જ ઉભી કરાવી દેવા સાથે ઇજાગ્રસ્ત બાળકોને ૧૦૮માં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. બનાવને પગલે નબીપુર પોલીસે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે.
ભરૂચ તાલુકામાં આવેલાં શુક્લતીર્થ ગામે આવેલી નર્મદા હાઇસ્કૂલમાં આસપાસના ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતાં હોય છે. શુક્રવારે સાંજના સમયે નર્મદા હાઇસ્કૂલના ધોરણ 9માં અભ્યાસ કરતાં આકાશ ગિરીષ પટેલ (રહે. ધર્મશાળા) તેમજ સુમિત રમેશ માછીપટેલ અને રિંન્કેશ વિનોદ માછીપટેલ (બન્ને રહે, અંગારેશ્વર) નાઓ શાળા છુટ્યાં બાદ પોતાના ગામ જવા માટે ભરૂચ – ઝણોર એસટી બસમાં બેસવાની કોશીસમાં હતાં.
ત્યારે ધક્કામુક્કીમાં તેઓ પટકાતાં ત્રણેયના પગ બસના ટાયરમાં આવી જતાં તેમને ઇજાઓ થઇ હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકોએ દોડી આવી બસ અટકાવી દીધી હતી. જોકે, મામલો ગરમાય તે પહેલાં જ બસના ડ્રાઇવરને પોલીસચોકીમાં બેસાડી દેવાયો હતો. બીજી તરફ 108ને જાણ કરતાં આવતાં એમ્બ્યુલન્સે પણ દોડી આવી ત્રણેયને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતા. બનાવને પગલે નબીપુર પોલીસે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે.