ડેડિયાપાડામાં એક હિરાના કારખાનામાંથી 67 લાખના હિરા તેમજ રોકડા એક લાખની ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
ડેડીયાપાડા ચીકદા ચોકડી પાસે નવા બનેલા કોમ્પ્લેક્સમાં ભોંયતળિયામાં એક હીરા પોલીસનું કારખાનું આવેલું છે. ગઇકાલે રક્ષાબંધનની રજા હોઇ કારખાનાના સંચાલકે બુધવારે નિત્યક્રમ મુજબ કારખાનું બંધ કર્યું હતું. જે બાદ આજે નિત્યક્રમ મુજબ કારખાનાના મેનેજર દુકાને આવતા દરવાજાનું તાળું તૂટેલું જોતાં જ તેમને ધ્રાસ્કો લાગ્યો હતો તેમણે તુરંત અંદર દોડી જઇ તપાસ કરતા તિજોરીનું તાળું પણ તૂટેલું જણાયું હતું.
તસ્કરોએ બંધ કારખાનામાં લાખોનો હાથફેરો કરી જતાં મેનેજર તેમજ સંચાલકોના જાણે પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. તેમણે તપાસ કરતાં તિજોરીના લોકરમાં હીરાના ડબ્બામાં મુકેલા પોલીસ કમ્પ્લીટ હીરા નંગ 4,483 તથા પોલિસીગમાં ચાલુ હીરા નંગ 11,600 મળી કુલ નંગ 16149. જેનું વજન 320.38 કેરેટ અને કિંમત રૂપિયા 66,99,200 થાય છે.આ ઉપરાંત એક લાખ રૂપિયા રોકડાની પણ ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાની જાણ થતાં ડેડિયાપાડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો તુરંત સ્થળ પર દડી આવ્યો હતો. બીજી તરફ એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઇ તસ્કરોના પગેરૂ શોધવાની કવાયત હાથ ધરી હતી. એફએસએલ તેમજ ડોગસ્કવોર્ડને પણ બોલાવવાની કવાયત પોલીસે કરી હતી.
ડેડિયાપાડામાં અત્યાર સુધીની સૌથી મોટી ચોરી હોવાનું લોકો માની રહ્યાં છે. ત્યારે પોલીસે પણ તસ્કરોના પગેરૂ શોધવા કમર કસી છે. સ્થાનિક પોલીસ સહિત, એલસીબી, એસઓજી તેમજ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી લીધી છે.હાલ પોલીસ દ્વારા કારખાનાના મેનેજર તેમજ ત્યાં કામ કરતા કામદારોની પૂછતાછ કરી રહી છે.