ભરૂચ નગર પાલિકાની સામાન્ય સભા શનિવારે વિકાસના એજન્ડા ઉપર મુકેલા 25 કામોને લઈ મળી હતી. પોણા બે કલાક ચાલેલી સભામાં વિપક્ષ કોંગ્રેસે શાસક ભાજપને પ્રજાના પ્રાણ પ્રશ્નો મુદ્દે ભારે ભીંસમાં લેતા દરેક મુદ્દે સભા ઉગ્ર તોફાની બની ગઇ હતી.
કોંગ્રેસે પ્રિ-મોન્સૂન કામગીરી, કાંસની સફાઈ, રસ્તાના પેચ વર્ક, ડ્રેનેજ, ડોર ટુ ડોર, લાઈટ, પાણી અને ડંપિંગ સાઇટ મુદ્દે ઉગ્ર ચર્ચા કરી શાસક પક્ષને ભીંસમાં લીધો હતો. કોંગી કોર્પોરેટેરો સભામાં દૂરબીન લઈ આવી શહેરમાં ક્યાં વિકાસ થયો છે તે બતાવવા ભાજપને કઈ વિરોધ નોંધાવ્યો હતો.
આગામી સમયમાં કોંગ્રેસ પાલિકાને સુપર સીડ કરવાની માંગણી કરશે તેવી ચીમકી વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદે ઉચ્ચારી છે. પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ સભા મુદ્દે વિપક્ષના ઉગ્ર દેખાવોને લઈ કહ્યું હતું કે, વિકાસ વિહીન કોંગ્રેસ હવે હવાતિયાં ઉપર આવી ગયું છે. પ્રજાને કોંગ્રેસ ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે.
આજની સામાન્ય સભામાં ફરી રતન તળાવના વિકાસ માટે રૂ.10 કરોડ સુધીની રકમ ફાળવવાની જાહેરાત કરાઈ હતી. જેમાં પાલિકા પ્રમુખે કહ્યું હતું કે, શહેરના માતરિયા તળાવની જેમ રતન તળાવને વિકસાવાશે.જેમા રિટેઇનિંગ વોલ અને વોક વે પણ હશે. હવે સમય જ બતાવશે કે રતન તળાવનો વિકાસ કઈ રીતે થાય છે. સભામાં અન્ય વિકાસના કામોમ વોટર વર્ક્સ માટે પણ રૂપિયા 10 કરોડની જાહેરાત અને અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ માટે રૂપિયા 16 કરોડની જોગવાઈ કરાઈ હોવાની વાત કરવામાં આવી હતી.