આમોદ તાલુકાના ઉપરોક્ત ગામોમાં હાલમાં પડેલા વરસાદના કારણે અતિવૃષ્ટિ સર્જાઈ છે.જેના પગલે ઓચ્છણ,કરેણા, ઇખર, તેલોડ, સુઠોદ્રા ગામના સ્થાનિકોને થયેલ ખેતી સહીત વ્યાપક નુકશાનનો તાગ મેળવવા આજે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે વિવિધ ગામોની મુલાકાત લીધી હતી.
આ ગામો નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે,બુલેટ ટ્રેન અને દિલ્હી મુંબઈ freight corridor ના કામો ચાલી રહ્યા છે. જે તમામ યોજનાઓ ના કોન્ટ્રાક્ટરો દ્વારા માટી પુરાણ કરી વેલમ નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ વેહવડવવામાં આવતા નદી ઓવરફ્લો થઈ છે. જેના કારણે વેલમ નદી ની ક્ષમતા કરતા વધારાનું પાણી આવી જતા કિનારાના ઉપરોક્ત ગામોમાં નદીના પાણી ભરાતા કુત્રિમ આફતથી ગામોનો તમામ વ્યવહાર બંધ થઈ જવા પામેલ છે. તેમજ ખેતીવાડીમાં પણ ખૂબ મોટું નુકસાન થવા પામેલ છે.
કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આ ગામોમાં સબંધિત વહીવટીતંત્રને તાત્કાલિક સૂચના આપી જીવન-જરૂરિયાતની વસ્તુઓ તેમજ રસ્તાઓ ઉપર માટી પથરાયેલ હોય જે સાફ સફાઈ કરાવી વાહન વ્યવહાર યુદ્ધના ધોરણે શરૂ થાય તેમજ સદર પરિયોજનાઓ ના કોન્ટ્રાક્ટરોને આ અંગે તાકીદ કરી નિયમોનુસાર તેઓ વિરુદ્ધ પગલાં ભરવા વિનંતી કરી છે.
આ મુલાકાત સમયે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા,ભુપેન્દ્રસિંહ દાયમા,ઉસ્માન મીંડી,મહેશભાઇ પટેલ,મોહીનભાઇ અને તાજુદ્દિનભાઇ હાજર રહ્યા હતા.