આમોદ નગરમાં સામાન્ય વરસાદમાં પણ મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જતા લોકોને તેમજ વિધાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ ઉપરાંત બાજુમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર પાસે પાણી ભરાઈ રહેતાં લોકોની જીદંગી સાથે જોખમ ઉભું થવાની ભીતિ સર્જાઈ છે.આમોદ નગરપાલિકાને વારંવાર રજુઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ ના થતાં લોકોમાં પાલિકા કચેરી સામે રોષ જોવા મળ્યો હતો.
આમોદના નાના તળાવ પાસે આવેલા ભાથુંજી મંદિર પાસે આંગણવાડી આવેલી છે તેમજ વોર્ડ નંબર ત્રણ રહીશો માટે તે આવન જાવનનો મુખ્ય રસ્તો છે.જે માર્ગ ઉપરથી વિધાર્થીઓ તેમજ વટેમાર્ગુઓ પસાર થાય છે તેમજ નાનાં બાળકો માટે આંગણવાડી આવેલી હોય નાના ભૂલકાઓ પણ ત્યાંથી પસાર થતા હોય છે.આ ઉપરાંત રોડ ઉપર દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું વીજ ટ્રાન્સફોર્મર આવેલું છે.
હાલમાં વરસાદની સીઝન ચાલતી હોય સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતાં હોય છે અને લોકોને હાલાકી વેઠવી પડે છે.તેમજ લોકોના જીવને જોખમ ઉભું થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે પાણીનો યોગ્ય નિકાલ કરવા કાર્યવાહી કરાય તે ઇચ્છનીય છે.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ