
ભરૂચના વાગરા તાલુકાનાં જણીયાદરા ગામે પત્ની સાથે પ્રેમ સંબંધના વહેમમાં મિત્રએ મિત્રની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. 10 દિવસ પૂર્વે મૃતદેહ મળવાના મામલામાં પોલીસે તપાસ કરતા મૃતકની ગળું દબાવી હત્યા કર્યા બાદ ટ્રેક્ટરમાં મૂકી મૃતદેહનો નિકાલ કરાયો હોવાનું બહાર આવ્યું છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આડાસંબંધના વહેમમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો હોવાનું બહાર આવ્યું છે. ગત તારીખ 28 જૂનના રોજ વાગરા તાલુકાનાં કલમ ગામની સીમમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ ક્ષતવિક્ષત હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોધાયો હતો અને વાગરા પોલીસ તેમજ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ LCB એ તપાસ હાથ ધરી હતી.
પોલીસે મૃતદેહની તપાસ કરતાં તે મહીસાગરના ઝનોર ગામનો જયેશ તડવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરતાં સમગ્ર મામલાનો ભેદ ઉકેલાયો હતો. LCB એ આ મામલામાં મૂળ સાબરકાંઠાના રહેવાસી અને હાલ વાગરાના જણીયાદરા ગામે રહેતા સુરેશ વસાવાની ધરપકડ કરી છે. આરોપી સુરેશ વસાવા અને મૃતક જયેશ તડવી બન્ને વચ્ચે મિત્રતાના સંબંધો હતા. મૃતક જયેશ તડવી અવારનવાર સુરેશના ઘરે આવતો હતો જેના કારણે જયેશ તડવીના તેની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા ગઇ હતી. થોડા સમય બાદ જયેશ તેના વતન પહોંચી ગયો હતો પરંતુ ત્યાથી પરત ફરતા આ શંકા વધુ ઘેરી બની હતી.
મૃતક જયેશ તડવી તારીખ 25 જૂનના રોજ પરત વાગરાના જણીયાદરા ગામે આવતા આ બાબતે બન્ને વચ્ચે ફરી એકવાર ઝઘડો થયો હતો અને ગામની સીમમાં લઈ જઈ ગળું દબાવી સુરેશે જયેશની હત્યા કરી દીધી હતી. બાદમાં મૃતદેહને ટ્રેક્ટરમાં મૂકી કલમ ગામ નજીક દહેજ રેલ્વે ટ્રેક પાસે નિકાલ કરી દીધો હતો. પોલીસે આ મામલામાં સુરેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.