ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીરેધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે. ત્યારે વરસાદની શરૂઆત થતાં જ જમીનમાં રહેલા સરિસૃપો પણ બહાર નીકળી રહ્યા છે.ભરૂચના દહેજ પંથકના અંભેટા ગામે સાપે ૭ વર્ષિય બાળકીને ડંખ મારતા બાળકીનું કરુણ મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ભરૂચ જિલ્લાના દહેજ પંથકના અંભેઠા ગામના પરમાર ફળીયામાં રહેતા સુનિલ ભાઈ સોલંકી ની ૭ વર્ષીય બાળકી રમતી રમતી પોતાના ઘરમાં ફ્રીજ ખોલી પાણી પીવા ગઈ હતી. તે દરમિયાન અચાનક ઝેરી સાપે તેને પગના ભાગે ડંખ મારી લેતા તેણીએ રડારોળ કરી હતી અને તેને સાપે ડંખ માર્યો હોવાની જાણ તેની માતાને કરતા માતા વ્હાલસોયી બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ સાત વર્ષીય બાળકી સ્નેહલને મરણ જાહેર કરતા માતા આઘાતથી ત્યાંજ ફસડાઇ પડી હતી. પોતાની વ્હાલસોયી દિકરીની અચાનક મોતથી માતાના હૈયાફાટ રૂદને સિવિલ હોસ્પિટલમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.
ઉલીખનીય છે કે, સાત વર્ષની માસૂમ દીકરી ગુમાવતા હૈયાફાટ રૂદન સાથે તેણીએ પોતાની મૃત્યુ પામેલી માસૂમ બાળકીને આખરી વ્હાલ કરવાના દ્રષ્યે સમગ્ર સિવિલના સૌની આંખો ભિંજવી હતી.