
- ભરૂચમાં સામાજિક સુરક્ષાની ચાર યોજનાના સો ટકા-૧૩ હજાર જેટલા લાભાર્થીઓને આવરી લેવાની દેશમાં પહેલરૂપ સિદ્ધિ – વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ
સરકારી યોજનાને સો ટકા પરિપૂર્ણ કરવાના વડાપ્રધાને આપેલા કોલનો પ્રતિસાદ આપતા ભરૂચ જિલ્લા પ્રશાસન દ્વારા શરૂ કરાયેલી ઉત્કર્ષ પહેલ અંતર્ગત સામાજીક સુરક્ષાની મુખ્ય ચાર યોજનાના સો ટકા લાભાર્થીઓને લાભ વિતરણ કરવાના ભરૂચ ખાતેના કાર્યક્રમમાં વડાપ્રધાન વર્ચ્યુઅલ સહભાગી બન્યા હતા.
જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ હેઠળ ગંગા સ્વરૂપા બહેનોને રાજ્ય સરકારની નાણાંકીય સહાય માટે કાર્યરત યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનામાં દેશમાં સૌ પ્રથમ વખત ૧૦૦ ટકા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ભરૂચ ખાતે આવી યોજનાઓના કુલ ૧૩ હજાર લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાને સંવાદ પણ કર્યો હતો.વડાપ્રધાન મોદીએ ભરૂચ સાથેના પોતાના સંસ્મરણો વાગોળતા કહ્યું કે, એક જમાનામાં ભરૂચમાં રસ્તા ઉપર રેંકડી લઇ ચાલો તો તેમાંથી વસ્તુ નીચે પડી જાય એવી સ્થિતિ હતી. આજે તે જ ભરૂચ યુવાનોના સપના અને આકાંક્ષાઓનો જિલ્લો બની ગયો છે. મા નર્મદા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી ભરૂચ અને રાજપીપળા જિલ્લાની વૈશ્વિક ઓળખ બની છે. ઔદ્યોગિક વિકાસ સાથે ફ્રેઇટ કોરિડોર, બૂલેટ ટ્રેઇન, એક્સપ્રેસ વેની સુવિધા મળતા ભરૂચને મોટો લાભ થશે. બ્લ્યુ ઇકોનોમીમાં ભરૂચ જિલ્લો મહત્વનું યોગદાન આપી શકે છે. ભાડભૂત બેરેજ યોજનાથી ભરૂચને ફાયદો થશે.
ભરૂચની દૂધધારા ડેરી દ્વારા જિલ્લાના ૫૪૦૦ કુપોષિત બાળકોને પોષણક્ષમ બનાવવા અપાનારા ચણા, મગ અને દૂધનું મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.પ્રારંભમાં કલેકટર તુષાર સુમેરાએ સૌનો આવકાર કરતા જણાવ્યું કે સમાજ ઉત્કર્ષના આ યજ્ઞમાં ગરીબોના ઉત્કર્ષથી અંત્યોદય થકી સર્વોદયની વિભાવના ભરૂચ જિલ્લાએ સાકાર કરી છે.
આ પ્રસંગે સાંસદ સી. આર. પાટીલ,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, મુખ્ય સચિવ પંકજ કુમાર, પદાધિકારીઓ, અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ સહિત નાગરિકો અને ભાજપીઓ ઉપસ્થિત રહ્યા હતા.