ઉમરપાડા તાલુકાના રાણીકુંડ ગામના પાટીયા પાસેના જોખમી ટર્નિંગમાં કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા થયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 યુવાનોના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયા હતા. જ્યારે કારમાં સવાર અન્ય 3 મિત્રોને ઇજાઓ થતા હાલ સારવાર હેઠળ છે.
વાલીયા ગામની સરદારનગર સોસાયટી ખાતે રહેતા કુલદીપસિંહ રામસિંહ દેવધરા અને તેમના મિત્ર હાર્દિકકુમાર રમેશભાઈ શાહ રહે વાલીયા ગામ હાઉસિંગ બોર્ડ સોસાયટી આ બંને મિત્રો અંકલેશ્વર ગયા હતા. અન્ય તેમના મિત્રો સાગરસિહ હિમ્મતસિંહ ચાવડા રહે. ભરૂચી નાકા અંકલેશ્વર, હનુમાન ઉર્ફે તેજસ સુરેશભાઈ બાવિસ્કર રહે. સંજયનગર, બી.એસ.એન.એલ ઓફિસ સામે અંકલેશ્વર તેમજ સુમિત નટવરભાઈ ચાવડા રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ અંકલેશ્વર. આ 5 મિત્રો ભેગા થયા હતા ત્યારે હનુમાન ઉર્ફે તેજસ બાવિસ્કરે મિત્રો ને જણાવ્યું હતું કે આપણે ઉમરપાડા તાલુકાના કેવડી ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં જવાનું છે. જેથી તમામ મિત્રો તૈયાર થયા હતા અને કુલદીપસિંહ રામસિંહ દેવધરાની માલિકીની મારૂતિ સુઝુકી બ્રિઝા ગાડીમાં સાંજના સમયે અંકલેશ્વર વાલિયા થઈ ઉમરપાડા તાલુકાના કેવડી ગામે લગ્ન પ્રસંગમાં પહોંચ્યા હતા.
મોડી રાત સુધી લગ્ન પ્રસંગની મજા માણી પાંચ મિત્રો કારમાં રાત્રિના બે વાગ્યે અંકલેશ્વર જવા માટે નીકળ્યા હતા ત્યારે રાણીકુંડ ગામના જોખમી ટર્નિંગ પાસે કાર ચલાવી રહેલ હનુમાન ઉર્ફે તેજસ સુરેશભાઈ બાવિસ્કર ઉંમર વર્ષ 32 નાઓ એ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.જેથી કાર માર્ગની બાજુમાં ડિવાઈડર રેલિંગ સાથે ભટકાતા 7 થી 10 ફૂટ જેટલી ઊંચાઇએ થી 4 થી 5 વખત પલ્ટી કારે મારી ગઈ હતી.
આ ઘટનામાં હાર્દિક રમેશભાઈ શાહ ને કમરના ભાગે ઇજાઓ થઇ હતી જેને હાલ અંકલેશ્વર થી વડોદરા ખાતે સારવાર માટે લઈ જવાયો છે ત્યાં તેની તબિયત સુધારા પર છે તેમજ સાગરસિંહ ચાવડાને ઇજા થઈ હતી. તેઓને અંકલેશ્વર ખાતે સારવાર આપવામાં આવી રહી છે જ્યારે કાર ના માલિક કુલદીપસિંહ રામસિંહ દેવધરાને સામાન્ય ઇજાઓ થઈ છે તેમણે આ ઘટનાના સંદર્ભમાં ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.