આરોગ્યની સુલભ સેવાઓ લોકોને ઝડપથી અને સરળતાથી મળી રહે તે હેતુસર ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કોયલીમાંડવી ગામે આરોગ્ય વિભાગ દ્વારા “બ્લોક હેલ્થ મેળો” યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન માનસીંગભાઈ વસાવા, ઉપપ્રમુખ વંદનભાઈ વસાવા, ભરૂચ જિલ્લાના આર.સી.એચ.ઓ ડો. અનિલભાઈ વસાવા, બાળવિકાસ સમિતીના ચેરમેન વર્ષાબેન દેશમુખ, નેત્રંગ તાલુકાના અગ્રણી પ્રકાશભાઈ ગામીત વગેરે ખૂબ મોટી સંખ્યામાં તાલુકા ભરમાંથી લોકો હાજર રહ્યા હતા. મહાનુભાવો ધ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના આર.સી.એચ.ઓ ડો. અનિલભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બ્લોક હેલ્થ મેળા યોજીને લોકોને હવે ઘર આંગણે જ આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડવાનો અભિગમ રહેલો છે. આ આરોગ્ય મેળામાં PMJAY કાર્ડ સહિત વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ લોકો સરળતાથી અને વિના મૂલ્યે લઇ શકશે. તા. ૧૮ થી તા. ૨૨ મી એપ્રિલ, ૨૦૨૨ દરમિયાન તાલુકાકક્ષાએ યોજાનારા બ્લોક હેલ્થ મેળાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ હેલ્થ મેળામાં ફિઝિશિયન, ગાયનેકોલોજિસ્ટ, દંત ચિકિત્સક, આયુર્વેદા, હોમિયોપેથી, જનરલ ઓપીડી, પીએમજે કાર્ડ, ટેલિમેડીસીન અને સ્ક્રીનીંગ એમ દરેક વિભાગએ આરોગ્યલક્ષી સ્ટોલ મુક્યા હતા. આ મેળામાં ૪૭૦ લોકોએ લાભ લીધો હતો. જેમા લોહીની તપાસ, ટેલીમેડીસીન, જનરલ ઓ.પી.ડી, ટેન્ટા, સ્ત્રી રોગ, ટી.બી, આયુષ્યમાન, હેલ્થ કાર્ડ તથા અન્ય રોગોના વ્યક્તિઓએ તબીબી સેવાનો લાભ લીધો હતો. આરોગ્યમેળામાં એલોપેથીક, આર્યુવેદિક અને હોમિયોપેથીક તબીબોએ તપાસ કરી જરૂરી દવા આપી સારવાર કરી હતી.