ભરૂચ જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા સહીત બે લોકોના મોત થયા હતા. જયારે એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની પ્રથમ ઘટનામાં માતાજીની દર્શન કરી પરત ફરી રહેલા દંપતીની બાઈકને ટેન્કર ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં પતિની નજર સામે પત્નીનું ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતુ.

ભરૂચના નંદેલાવ રોડ ઉપર આવેલા આશીર્વાદ નગરમાં રહેતા 65 વર્ષીય હરિવદન રમણલાલ ચાંપાનેરિયા અને તેઓના પત્ની શારદાબેન ચાંપાનેરિયા પોતાની બાઈક નંબર-જી.જે.16.એમ.0890 લઈ ઓસારા મહાકાળી મંદિર ખાતે ગયા હતા. જેઓ માતાજીના દર્શન કરી પરત ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ભરૂચ નેશનલ હાઈવે પર ઓસારા રોડ ઉપર પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બાઈક પર સવાર દંપતી રોડ ઉપર પટકાતા શારદાબેનના માથા અને શરીર પર ટાયર ફરી વળતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જયારે હરિવદન ચાંપાનેરિયાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ ઉપરાંત અન્ય અકસ્માતમાં નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલા અરેઠી અને ફૂલવાડી ચાર રસ્તા વચ્ચે નાળા પાસે અજાણ્યા વાહન ચાલકે 45 વર્ષીય યુવાનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અજાણ્યા યુવાનનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી મૃતકના મૃતદેહના વાલીવારસાની શોધખોળ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here