- ઇનર વ્હિલ કલબ દ્વારા ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થીત ટાવર ઘડિયાળનું નવીનીકરણ કરાયું
- ડિજિટલ GPS બેઝ ઘડિયાળ ભરૂચ પ્રયાગરાજના સમય સાથે ચાલી દેશના તમામ રેલવે સ્ટેશન મુજબ એકરૂપ સમય દર્શાવશે
ભરૂચ રેલવે સ્ટેશનની ઐતિહાસિક ટાવર ઘડિયાળ ઇનર વ્હિલર કલબની 6 મહિનાની મહેનતે આજે વર્ષો બાદ ફરી કાર્યરત થઈ છે. હવે શહેરીજનોને ટકોરા સાથે સમયની જાણ કરશે. ભારતનું બીજું પ્રાચીન શહેર ભરૂચની ઐતિહાસિક ઓળખ તેનું ટાવર ઘડિયાળ રેલવે સ્ટેશન હતું. જોકે 50 થી 60 વર્ષ પહેલાં ટકોરા સાથે સમય સુચવતી રેલવે ટાવર ઘડિયાળનો અવાજ સમયના વહેણમાં દબાઇને બંધ થઈ ગયો હતો.
છ મહિના પહેલા ભરૂચની હેરીટેજ ઓળખને ફરી જીવંત કરવા ઇનર વ્હીલ કલબના પ્રમુખ રિઝવાના જમીનદાર, પ્રોજેકટ ચેરમેન પીલુંબેન જિનવાલા અને તેમની ટીમે આ ભગીરથ કાર્ય ઉપાડી લીધું હતું. વેસ્ટન રેલવે સાથે 6 મહિનાથી ચાલતા પ્રસ્તાવ અને દોડધામ બાદ રેલવે ટાવર ઘડિયાળને ફરી શરૂ કરવા ગ્રીન સિગ્નલ મળી ગયો હતો. મુંબઈથી ટીમ બનાવી 6 ફૂટનો ડાયામીટર ધરાવતી ઘડિયાળનું ડાયલ જૂનું હેરિટેજ જ રાખી તેને ડિજિટલ જીપીએસ બેઝ કરાઈ હતી. ઘડિયાળ હવે 10 વર્ષ બાદ સાચો સમય બતાવવા સાથે દર 15 મિનિટે ટકોરા અને દર કલાકે ટન ટનનો અવાજ કરી ભરૂચમાં પોઝિટિવ ઉર્જા પણ પ્રસરાવશે.
આજે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ટાવર ઘડિયાળનું લોકાર્પણ નાયબ મુખ્ય દંડક ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ઇનર વ્હીલની ટીમ, ભરૂચ સ્ટેશન અધિક્ષક ડી.કે. રાજુલ સહિતની ઉપસ્થિતિમાં કરાયું હતું. રેલવે ટાવર ઘડિયાળનો લુક લંડનના બેન ટાવર ઘડિયાળ જોવો રાખવાનો પ્રયાસ કરાયો છે. આ ટાવર ઘડિયાળનું ડિજિટલાઈઝેશન કરાયું છે. જે GPS બેઝ સમય સારણી કરશે. પ્રયાગરાજના સમય સાથે ભરૂચની ઘડિયાળ દેશના તમામ રેલવે સ્ટેશનને એકરૂપ સમય મુજબ ચાલશે.
ઉલ્લેખનીય છે આજ પ્રમાણે ભરૂચ શહેરની વિસરાયેલ ઓળખસમા વિકટોરીયા ટાવરને પણ પુન: પ્રસ્થાપીત કરી ઘડીયાળને ટકટક શરૂ કરાય તે ઇચ્છનીય છે.