રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હાલ ખેડૂતો દ્વારા ઉનાળુ પાક લેવામાં આવી રહ્યા છે, જોકે આ દરમિયાન ખેડૂતોને પૂરતો ૮ કલાકની જગ્યાએ હવે ૬ કલાક વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે, અને એક તરફ ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા હોવાથી ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી, ત્યારે વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં ન મળતા અને ઓછો મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
વીજળી ઓછા કલાક મળવાના કારણે ખેડૂતોના પાકને નુકશાન જવાની ભીતિ સર્જાઈ છે. જેને લઈ ખેડૂતો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે સાગબારા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપી સરકારની જાહેરાત મુજબ ખેડુતોને દિવસ દરમ્યાન ૮ કલાક વીજ પુરવઠો મળે તેવી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. વહેલી તકે યોગ્ય ખેડુતોના હીતમાં યોગ્ય ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
આવેદન પત્ર આપવા સાગબારા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ વસાવા, પૂર્વ પ્રમુખ મહેલભાઈ, વિરોધ પક્ષના નેતા અવિનાશભાઈ વસાવા, બહાદુરભાઇ વસાવા તેમજ કોંગ્રેસ સમિતિના કાર્યક્રમ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા