શ્રી ગણેશ સુગર વટારીયા ના સભાસદો અને ભરૂચ જિલ્લાના અલગ અલગ વિસ્તારના ખેડૂત મિત્રો દ્વારા મોટી સંખ્યામાં ભરૂચ કલેકટરાલય ખાતે ઉપસ્થીત થઈ સુત્રોચ્ચાર કરવા સાથે કસ્ટોડીયનની નિમણુંક રદ્દ કરી ચૂંટણી કરવા માંગ કરતું આવેદન પાઠવ્યું હતું.
આવેદનમાં જણાવ્યું હતું કે આ સુગર ફેકટરીના માધ્યમથી આસપાસના વિસ્તારના અનેક ખેડૂતો પોતાની ખેતી કરી આર્થિક ઉપાર્જન કરે છે તેમજ ૯૦૦ કર્મચારીઓ આ સંસ્થામાંથી રોજીરોટી મેળવે છે. આ સંસ્થામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૨૦,૦૦૦ થી વધુ શ્રમજીવીઓ પોતાનું અને પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા છે . આ સંસ્થા અમારા જીવનનો અનિવાર્ય ભાગ છે. ગણેશ સુગર પર થતી વિપરીત અસરો અમારા જીવનને પણ પ્રભાવિત કરે છે.
શ્રી ગણેશ સુગર વટારીયામાં સભાસદો દ્વારા ચૂંટાયેલ વ્યવસ્થાપક બોર્ડ સંસ્થાનો વહીવટ કરી રહ્યું હતું. હવે ચાલુ સિઝનમાં આવેલ શેરડી નો ભાવ પાડવાનું તેમજ બીજો હપ્તો અને શેરડી ના અંતિમ હપ્તો સભાસદોને મળી જાય તે માટે પણ આગોતરું આયોજન સાથે ૩૧ માર્ચ ના ભાવ નક્કી કરવા માટે મીટિંગ મળવાની હતી, તેવા સમયે અચાનક ખાંડ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તારીખ : ૨૧/૦૩/૨૦૨૨ ના હુકમથી જિલ્લા રજીસ્ટ્રાર , સહકારી મંડળીઓ, ભરૂચને સંસ્થામાં આગામી ૧ વર્ષ સુધી કસ્ટોડિયન તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને કસ્ટોડિયનની નિમણૂક રદ્દ કરવા વિનંતી કરીએ છીએ.
સંસ્થામાં કસ્ટોડિયન ની નિમણૂક કરવાના હુકમમાં ફક્ત ને ફક્ત સંસ્થાની હાલની વ્યવસ્થાપક કમિટીની મુદત પૂર્ણ થયેલ છે અને નવીન વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી થયેલ નથી. કસ્ટોડિયન ના આવ્યા બાદ પીલાણ કાર્યમાં ખુબ ઘટાડો જોવા મળ્યો છે જે બાબત સંસ્થાનું આગામી ભવિષ્ય અંગે ખૂબ ગંભીર છે . સંસ્થા દ્વારા ઉત્પાદિત ખાંડ અને અન્ય બાયપ્રોડક્ટના સમયસરના વેચાણ તથા કારખાના ના મેઈન્ટેનન્સનું સમય મર્યાદા માં કામકાજ ન થાય અને સંસ્થાને જે કંઈ નુકસાન થાય તે માટે સરકારની જવાબદારી રહેશેનું જણાવાયું છે.