યુક્રેન રશિયા યુદ્ધ ની સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય અને ગુજરાતી યુવા વિદ્યાથીઓ ને ઓપરેશન ગંગા અંતર્ગત પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રયાસોથી સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીથી વોલ્વો બસ મારફતે આજે વહેલી સવારે ગુજરાત પહોંચેલા યુવાઓને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પુષ્પ ગુચ્છ આપીને આવકાર્યા હતા અને તેમના ક્ષેમ કુશળ પૂછયા હતા.
મુખ્યમંત્રીએ આ યુવાઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ રાજ્ય સરકાર તેમની મદદ માટે તત્પર છે તેનો સધિયારો વાલીઓને આપ્યો હતો. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ અગ્ર સચિવ શ્રી હૈદર,ગાંધીનગર કલેકટર કુલદીપ આર્ય વગેરે આ વેળા એ જોડાયા હતા.
આ વિદ્યાથીઓ અને તેમના માતા પિતાએ હેમખેમ વતન પરત લાવવાની વ્યવસ્થા માટે પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી નો તેમજ ગુજરાત સુધી પહોંચાડવાની સુવિધા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ નો આભાર વ્યકત કર્યો હતો.