તાપી જિલ્લાના સર્કીટ હાઉસ ખાતે સાંસદ પરભુભાઇ વસાવાના હસ્તે જિલ્લાની આંગણવાડી કાર્યકર અને આશાવર્કરોને કોરોના કાળ દરમિયાન તેઓ દ્વારા કરવામાં આવેલ ઉચ્ચ કક્ષાની કામગીરી અને સેવા ભાવના વડે કરેલ નિસ્વાર્થે કામગીરીને બિરદાવતા સન્મન પત્રો એનાયત કરાયા હતા.
જેમાં જિલ્લાની તમામ કુલ-૯૯૬ આંગણવાડીના બહેનો અને ૭૯૦ આશાવર્કરોને માટે તૈયાર કરેલ સન્માન પત્રો આપવામાં આવ્યા હતા. તેમણે આ પ્રસંગે બહેનોના કામની સરાહના કરતા જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની મહામારી દરમિયાન જિલ્લાતંત્ર સાથે મજબુત પાયા સમાન ખડે પગે તમામ બહેનોએ પોતાના પરિવારની પરવાહ કર્યા વગર કામગીરી કરી છે. પ્રજાની સલામતી માટે અને કોરોના અંગે જાગૃતતા ફેલાવવાનું કામ નાનામાં નાના કર્મચારી હોવા છતા મોટી જવાબદારી ઉપાડી રાતદિવસ એક કરી કામગીરી કરી છે જે ખરેખર વંદનિય છે. તેમણે ટોકનના ભાગરૂપ વ્યારા જિલ્લાની પાંચ આંગણવાડી વર્કર બહેનોને પ્રશસ્તિ પત્રો એનાયત કર્યા હતા. અને અન્ય પ્રશસ્તિ પત્રો આઇ.સી.ડી.એસના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલને સોંપી દરેકને પહોચાડવાની જવાબદારી સોંપી હતી.
પ્રશસ્તિ પત્ર મેળવનાર બહેનો પૈકી ખુશબુબેન ઢોડિયાએ આ અંગે જણાવ્યુ હતું કે, “કોરોના લોકડાઉન દરમિયાન અમે બાળકો તથા માતાઓને સુખડી અને ટીએચઆર વિતરણ કરતા, મોબાઇલથી વિડિયો કોલ દ્વારા બાળકોને શિખવતા, અને સગર્ભા અને ધાત્રી માતાઓનુ કાઉન્સીલીંગ કરતા હતા, જે કામગીરી આંગણવાડીમાં કરતા હતા એ તમામ કામગીરી લોકોના ઘર આંગણે કરતા થયા. રસીકરણણની કામગીરીમાં આશાવર્કર બહેનો સાથે મળી ઘરે-ઘરે જઇ સર્વે હાથ ધર્યો હતો, લોકોને રસી અંગે, કોરોના મહામારી દરમિયાન રાખવાની સાવચેતી અંગે, તેના અંગે પ્રવર્તમાન ખોટી માન્યતાઓ અંગે જાગૃત કર્યા હતા.આ કામગીરી માટે આજે સાંસદે સન્માન પત્ર અર્પણ કર્યુ છે. ત્યારે હું તમામ આશવર્કર બહેનો અને આંગણવાડીની બહેનો વતી તેઓનો ખુબ ખુબ આભર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પણ અમારી કામગીરી આવી જ રહેશે તેની સૌ બહેનો વતી ખાત્રી આપું છું.”
આ પ્રસંગે મહામંત્રી વિક્રમ તરસાડીયા, કેયુરભાઇ શાહ, મુખ્ય સેવીકા હીનાબેન ગજ્જર સહિત આંગણવાડીના બહેનો, આશાવર્કરો સામાજિક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા.