ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉબેર ગામ પાસે વડોદરા બ્રાન્ચ કેનાલમાં વહેલી સવારે ગાબડું પડ્યું. નર્મદાનું પાણી આસપાસનાં ખેતરોમાં ફરી વળ્યું અને 50થી 60 એકર જમીનમાં ભરાયું. ડાંગર, કપાસ અને તુવેરના પાકને નુકસાનની ભીતિ છે.
કેનાલની સાંકળ નંબર 85 પાસે સવારે અંદાજે 3થી 4 વાગ્યે ગાબડું પડ્યું હતું. પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોમાં દોડધામ મચી હતી. ડાંગરનાં ખેતરોમાં પાણી ભરાયું છે. કપાસ અને તુવેરના પાક પણ પાણીમાં આવ્યા છે.
સ્થાનિક ખેડૂત અરુણસિંહ ચૌહાણે જણાવ્યું કે કેનાલ તૂટવાથી અંદાજે 50થી 60 એકર જમીનમાં પાણી ભરાયું છે. તેમણે ડાંગર સહિતના પાકમાં પાણી ભરાયાની વાત કરી. ખેડૂતો કેનાલની જાળવણી અને સિંચાઈ વિભાગની કામગીરી સામે નારાજ છે.
ખેડૂતોએ ખેતરોમાંથી પાણી કાઢવાની વ્યવસ્થા કરવા, નુકસાનગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવા અને અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની માંગ કરી છે.
નર્મદા યોજના પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર રોનક ગિરીશભાઈ બાગુલે જણાવ્યું કે ગાબડાની જાણ થતાં ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ બંધ કરવા અને કેનાલનું પાણીનું સ્તર શૂન્ય કરવા સૂચના અપાઈ છે. હાલ કેનાલમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે.
પાણી સંપૂર્ણપણે ઓસરી ગયા પછી કેનાલનું સમારકામ શરૂ કરીને વહેલી તકે પૂરું કરાશે. ત્યારબાદ પાણીનો પ્રવાહ ફરી શરૂ કરાશે. ખેતરોમાં પાણી ભરાવાથી થયેલા નુકસાનનો સર્વે અને વળતર અંગેનો નિર્ણય હજી બાકી છે.






