નર્મદા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર પ્રેસનોટ મુજબ, જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે ચાલી રહેલી કાર્યવાહી અંતર્ગત એન્ટી નાર્કોટિક્સ વિંગને સફળતા મળી છે. રાજપીપળાના જકાતનાકા નજીક કાળીયાભૂત રોડ પરથી સૂકા ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ રૂ. 1,53,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલના માર્ગદર્શન હેઠળ એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમને મળેલી બાતમીના આધારે જકાતનાકા કાળીયાભૂત રોડ પર સિવિલ હોસ્પિટલની સામે રોડ પરથી આરોપી હાર્દિકભાઈ ઉર્ફે બપ્પા રોહિતભાઈ વસાવા (ઉંમર આશરે 25 વર્ષ), રહે. ટેકરા ફળિયા, રાજપીપળા, મૂળ રહે. સડક ફળિયા, રાજપીપળા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદાને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપી પાસેથી એક્ટિવા ટુ-વ્હીલર નંબર GJ-22-AA-5571માંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો 1 કિલો 938 ગ્રામ સૂકા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાની કિંમત રૂ. 96,900, એક્ટિવાની કિંમત રૂ. 50,000, મોબાઈલ ફોનની કિંમત રૂ. 5,000 તથા રોકડ રૂ. 1,100 મળી કુલ રૂ. 1,53,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ ઉપરાંત પોલીસની પ્રેસનોટમાં રજનીભાઈ તડવી નામના અન્ય એક શખ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું પૂરું નામ અને સરનામું જાણી શકાયું નથી. તેમજ મુદ્દામાલ આપનાર અન્ય એક વ્યક્તિની ઓળખ પણ થઈ શકી નથી.
આ સમગ્ર મામલે આરોપી અને કબજે કરાયેલા મુદ્દામાલને વધુ કાયદેસરની કાર્યવાહી અર્થે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. એન્ટી નાર્કોટિક્સ વિંગના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ.સિંહ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર.ડામોર સહિતની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી.





