જંબુસર તાલુકા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) યુવા મોરચાના ઉપપ્રમુખ વિરુદ્ધ એક મહિલાને માનસિક ત્રાસ આપવા, બદનામ કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ વેડચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી નેતાની ધરપકડ કરી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, જંબુસર તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ તુષાર ઉર્ફે જીગ્નેશ મહેશભાઈ ઠાકોર સામે એક મહિલાએ ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદી મહિલાની સગાઈ અન્ય સ્થળે નક્કી થતા આરોપી તુષાર ઠાકોર ઉશ્કેરાયો હતો. તેણે મહિલા પર દબાણ લાવીને પોતાની સાથે જ સગાઈ કરવા માટે ધમકીઓ આપી હતી. જો મહિલા તેની સાથે સગાઈ નહીં કરે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

મહિલાએ આરોપીની માંગણી ન સ્વીકારતા, તુષાર ઉર્ફે જીગ્નેશ ઠાકોરે મહિલાને સમાજમાં બદનામ કરવાના ઇરાદે તેના ફોટા વાયરલ કર્યા હતા. સતત હેરાનગતિ અને બદનામીના ડરથી કંટાળીને અંતે પીડિત મહિલાએ વેડચ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર મામલે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.

મહિલાની ફરિયાદના આધારે વેડચ પોલીસે તુષાર ઉર્ફે જીગ્નેશ મહેશભાઈ ઠાકોર વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

બીજી તરફ, સત્તાધારી પક્ષના યુવા મોરચાના જવાબદાર હોદ્દેદાર સામે મહિલાની હેરાનગતિનો ગુનો નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને મહિલા સુરક્ષા તથા સશક્તિકરણના દાવાઓ સામે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here