ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત સહિત દેશમાં 12થી 18 નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ સપ્તાહ ઉજવાશે. ભરૂચ જિલ્લામાં જંગલની જમીન ખેડતા અંદાજે 2,999 આદિવાસી ખેડૂતોને 15 નવેમ્બરે જમીનના હકપત્ર આપવામાં આવશે.
સપ્તાહ દરમિયાન આદિવાસી સમાજની વીરતા, સંસ્કૃતિ, પરંપરા અને સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાશે. ભરૂચના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે કલેક્ટર કચેરીમાં પત્રકાર પરિષદ કરીને કાર્યક્રમોની માહિતી આપી હતી.

મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર અને સંગઠનના સંયુક્ત ઉપક્રમે સાત દિવસ સુધી કાર્યક્રમો યોજાશે. ભગવાન બિરસા મુંડા સહિતના આદિવાસી મહાનાયકોનું આઝાદીની લડત, સામાજિક પરિવર્તન અને કુરિવાજો સામેના સંઘર્ષમાં યોગદાન નવી પેઢી સુધી પહોંચાડવાનો આ ઉજવણીનો હેતુ છે. આદિવાસી વિસ્તારોના કેટલાક રસ્તાઓને ભગવાન બિરસા મુંડાના નામ સાથે જોડવાની પણ યોજના છે. ગુજરાતમાં દેશનાં અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી વધુ જંગલ જમીનના હકપત્ર આપવામાં આવ્યા છે.

મંત્રીના જણાવ્યા મુજબ, આ પ્રક્રિયા ચાલુ રહેશે. નિયમ મુજબ પાત્રતા ધરાવતા બાકી આદિવાસી ખેડૂતોને પણ આગામી સમયમાં હકપત્ર આપવામાં આવશે. આદિવાસી વિસ્તારોમાં માળખાકીય સુવિધા અને વિકાસનાં કામો તેમજ પરિવારોનું જીવનધોરણ સુધારવાની યોજનાઓને પણ અભિયાનમાં સામેલ કરાઈ છે. પત્રકાર પરિષદના અંતે જિલ્લાના નાગરિકોને જનજાતીય ગૌરવ સપ્તાહમાં જોડાવા અપીલ કરાઈ હતી.

આ પત્રકાર પરિષદમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અણરૂસિંહ રણા, રિતેશ વસાવા, ડી.કે. સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબા રાજ, પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર અને ઝઘડિયાના દિનેશ વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here