વિપરીત સંજોગોમાં પણ વ્યક્તિમાં કંઈક નવું શીખવાની લગન, મહેનત કરવાની તૈયારી અને મળેલી તકનો યોગ્ય ઉપયોગ કરવાની ક્ષમતા હોય તો સફળતાનાં નવાં શિખરો સર કરી શકાય છે. આ વાતને સાર્થક કરી બતાવી છે એકતા નગરના ગોરા ગામનાં આદિવાસી મહિલા શ્રીમતી શારદાબહેન જેન્તીભાઈ તડવીએ.એક સમયે પરિવારને આર્થિક સહયોગ આપવા માટે શાકભાજી વેચવાનું કામ કરતાં શારદાબહેન આજે પોતાની મહેનત, આવડત અને સર્જનાત્મકતાના બળે ‘વામન વૃક્ષ સર્જક’ તરીકે નવી ઓળખ મેળવી ચૂક્યાં છે. તેમની આ સફળતાને વિશેષ ગૌરવ ત્યારે મળ્યું, જ્યારે ગત ૩૧ ઑક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતા નગરની મુલાકાતે આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ વામન વૃક્ષ વાટિકા (બોન્સાઈ ગાર્ડન)માં પોતાની બોન્સાઈ કળાનું પ્રત્યક્ષ નિદર્શન કરવાની તક મળી હતી.
શારદાબહેન માટે આ ક્ષણ જીવનની એક યાદગાર સિદ્ધિ બની રહી. વડાપ્રધાન સમક્ષ તેમણે બોન્સાઈ વૃક્ષોની વિશેષતા, તેને તૈયાર કરવાની પદ્ધતિ અને તેની જાળવણી અંગે માહિતી આપી હતી. ગોરા ગામની એક સામાન્ય મહિલાને દેશના વડાપ્રધાન સમક્ષ પોતાની કળા રજૂ કરવાની મળેલી આ તક તેમની પ્રતિભા, આત્મવિશ્વાસ અને કૌશલ્ય વિકાસની પ્રેરણાદાયી સફરનું પ્રતિબિંબ બની છે.
શારદાબહેનની આ સફરની શરૂઆત પણ એટલી જ રસપ્રદ છે. ગોરા ગામમાં શાકભાજી વેચીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતાં શારદાબહેન એક દિવસ શાકભાજી વેચી રહ્યાં હતાં. તે દરમિયાન ત્યાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મહિલા અધિકારીએ શાકભાજીની ખરીદી દરમિયાન તેમને એકતા નર્સરીમાં છોડના ઉછેર અને પ્રકૃતિના જતન સાથે જોડાયેલી કામગીરી કરવાની તક વિશે પૂછ્યું.
શારદાબહેને આ તક ઝડપી લીધી અને સખી મંડળના માધ્યમથી એકતા નર્સરી અને બાદમાં બોન્સાઇ ગાર્ડન સાથે જોડાયાં. સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા આપવામાં આવેલી તાલીમ અને સતત મહેનતના પરિણામે તેઓ ધીમે ધીમે બોન્સાઈ બનાવવાની વિશિષ્ટ કળામાં નિપુણ બન્યાં.
માત્ર ધોરણ-૯ સુધીનો અભ્યાસ કરનાર શારદાબહેને વર્ષ ૨૦૧૯થી એકતા નર્સરી અને બાદમાં બોન્સાઇ ગાર્ડનમાં વિવિધ પ્રકારનાં બોન્સાઈનું સર્જન અને વેચાણ કરવાની કામગીરી શરૂ કરી. પોતાના કૌશલ્ય અને આત્મવિશ્વાસના બળે તેમણે ઘરઆંગણે જ રોજગારી મેળવી આત્મનિર્ભરતાની દિશામાં આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એક સમયે ‘શાકભાજીવાળાં શારદાબહેન’ તરીકે ઓળખાતાં તેઓ આજે ‘વામન વૃક્ષ સર્જક શારદાબહેન’ અને ‘બોન્સાઈ વુમન’ તરીકે ઓળખાય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલી વામન વૃક્ષ વાટિકામાં શારદાબહેન પોતાની આવડતથી વિવિધ પ્રકારનાં બોન્સાઈ વૃક્ષોને સુંદર અને કલાત્મક સ્વરૂપ આપે છે. અહીં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ બોન્સાઈની અનોખી આકૃતિઓ અને સુંદરતા જોઈને આકર્ષાય છે. ઘર અને ઑફિસની શોભા વધારવા માટે પ્રવાસીઓ અહીંથી બોન્સાઈની ખરીદી પણ કરે છે.
શારદાબહેન બોન્સાઈ તૈયાર કરવાની સાથે પ્રવાસીઓને તેની વિશેષતા, બનાવટ અને જાળવણી વિશે પોતાની આગવી છટામાં માહિતી પણ આપે છે. એક સમયે શાકભાજીનું વેચાણ કરતાં શારદાબહેન આજે પોતાની કળા અને આવડતથી પ્રવાસીઓમાં વિશેષ ઓળખ ધરાવે છે.
પોતાના અનુભવ વિશે શારદાબહેન જણાવે છે કે, “મેં ધોરણ-૯ સુધી અભ્યાસ કર્યો છે. અગાઉ શાકભાજી વેચીને પરિવારને આર્થિક મદદ કરતી હતી અને બાળકોના અભ્યાસમાં પણ સહયોગ આપતી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી તાલીમ મળ્યા બાદ એકતા નર્સરીમાં બોન્સાઈ બનાવવાનું શીખી અને વર્ષ ૨૦૧૯થી આ કામગીરી સાથે જોડાયેલી છું. આજે ઘરઆંગણે જ મને રોજગારી પ્રાપ્ત થઈ છે. શરૂઆતમાં લોકો મને ‘શાકભાજીવાળાં શારદાબહેન’ તરીકે ઓળખતા હતા, પરંતુ આજે મારી ઓળખ ‘વામન વૃક્ષ સર્જક શારદાબહેન’ અને ‘બોન્સાઈવાળા શારદાબહેન’ તરીકે બની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ મારી કળાનું નિદર્શન કરવાની તક મળી તે મારા માટે અત્યંત ગૌરવ અને આનંદની વાત છે.”






