ભરૂચ જિલ્લાના ખેડૂતો અને સહકારી ક્ષેત્ર માટે આજનો દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. જે વટારીયા સ્થિત શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી (ગણેશ સુગર) દેવાના ડુંગર નીચે દબાઈને હરાજીના આરે આવીને ઊભી હતી, તે આજે હરાજીના સંકટમાંથી મુક્ત થઈ છે. આ નિર્ણયથી જિલ્લાના ૧૮,૦૦૦ સભાસદ ખેડૂત પરિવારોમાં દિવાળી જેવો ખુશીનો માહોલ છવાયો છે.
ગણેશ સુગર પર અંદાજે ₹૪૮ કરોડનું દેવું હોવાથી એનસીડીસી (NCDC) દ્વારા મિલકત ટાંચમાં લઈ આગામી ૧૮ નવેમ્બરના રોજ હરાજી કરવાની સત્તાવાર નોટિસ જારી કરવામાં આવી હતી. આશરે ₹૨૫૦ કરોડની મિલકત ધરાવતી આ ફેક્ટરી બંધ થવાના આરે હોવાથી ૧૮,૦૦૦ ખેડૂતોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભો થયો હતો.
આ કપરા સંજોગોમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને ગણેશ સુગરની કસ્ટોડિયન કમિટીના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડાએ દિવસ-રાત એક કરીને ગાંધીનગરથી દિલ્હી સુધી રજૂઆતો કરી હતી. રાજ્ય સરકાર અને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક (GSC Bank) સાથેના સતત સંકલનના પરિણામે બેંક તરફથી ₹૪૮ કરોડના દેવાની ચુકવણી માટે સહયોગ અને બાંહેધરી પ્રાપ્ત થઈ છે, જેનાથી હરાજી અટકાવવાનો માર્ગ મોકળો બન્યો છે.
જ્યારે ફેક્ટરીને બચાવવા માટે સત્તાવાર સ્તરે પ્રયાસો ચાલી રહ્યા હતા, ત્યારે કેટલાક વિરોધી તત્વો દ્વારા અફવાઓ ફેલાવીને સભાસદોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, સમજદાર ખેડૂતોએ નેતૃત્વ પર ભરોસો જાળવી રાખ્યો હતો અને આજે ફેક્ટરી બચી જતાં વિરોધીઓના તમામ મનસૂબા નિષ્ફળ સાબિત થયા છે.
- ભૂતકાળના વહીવટ સામે આક્ષેપો અને રાજકીય પ્રહારો
હરાજી અટકવાની જાહેરાત સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ફેક્ટરીની આર્થિક કટોકટી માટે ભૂતકાળના વહીવટ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે પૂર્વ ચેરમેન અને કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલાના કાર્યકાળ દરમિયાન વિવિધ એજન્સીઓને આશરે ₹૪૦ કરોડ જેટલી માતબર રકમ ઉધાર આપવામાં આવી હતી, જેની યોગ્ય વસૂલાત ન થતાં ફેક્ટરી દેવામાં ડૂબી ગઈ હતી.
સ્થાનિક આગેવાનો અને ખેડૂતોનું માનવું છે કે રાજ્યની ભાજપ સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લઈને માત્ર સહકારી સંસ્થાને જ નથી બચાવી, પરંતુ ભૂતકાળમાં ગેરવહીવટ કરનારા અને ખેડૂત વિરોધી રાજકારણ રમનારા તત્વોને પણ જડબાતોડ જવાબ આપ્યો છે.
સરકાર અને બેંકના આ ઐતિહાસિક સહયોગ બાદ હવે ગણેશ સુગર ફરી ધમધમતી થશે. ખેડૂતોનો શેરડીનો પાક ફરી સમયસર પિલાણ માટે જશે અને ૧૮,૦૦૦ સભાસદ પરિવારોના ચૂલા ફરી સળગતા રહેશે તેવી નવી આશા જાગી છે.





