ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા દહેજ GIDC વિસ્તારમાં ફરી એકવાર પર્યાવરણના નિયમોના ઉલ્લંઘનનો ગંભીર મામલો સામે આવ્યો છે. દહેજ GIDCના વડદલા ગામ નજીક આવેલી SUNFRIO CHEMICAL કંપની સામે ફરીથી પ્રદૂષણ ફેલાવવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.

મળતી માહિતી મુજબ, તારીખ ૧૧/૧૧/૨૦૨૬ના રોજ કંપનીની દીવાલમાં મૂકવામાં આવેલા એક પાઇપમાંથી ઘેરા રંગનું શંકાસ્પદ પ્રવાહી બહાર નીકળતું જોવા મળ્યું હતું. આ ઘટનાના ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ સામે આવ્યા છે, જે કંપનીના વેસ્ટવોટર મેનેજમેન્ટ સામે ગંભીર સવાલો ઉભા કરે છે.
નોંધનીય છે કે, આ કંપની સામે ભૂતકાળમાં પણ કલરવાળા પાણી છોડવા અને વિસ્તારમાં કેમિકલ જેવી તીવ્ર દુર્ગંધ ફેલાવવા અંગે ફરિયાદો ઉઠી ચૂકી છે. તેમ છતાં, ફરી એકવાર આ જ પ્રકારની સ્થિતિ સર્જાતા સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમગ્ર ઘટના અંગે સ્થળ પરના પુરાવા રૂપે ફોટોગ્રાફ્સ અને વીડિયો સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારી વાઘમસિંહ સાહેબને સત્તાવાર જાણ કરવામાં આવી છે. જોકે, વારંવારની ફરિયાદો છતાં કંપનીની કામગીરી પર કોઈ અંકુશ ન આવતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સ્થાનિકો અને જાગૃત નાગરિકોની મુખ્ય માંગણીઓ:
• નમૂનાની તપાસ: GPCBના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચીને બહાર વહેતા આ ઘેરા રંગના પ્રવાહીના સત્તાવાર નમૂના લે અને તેને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલે.
• પ્લાન્ટનું ઓડિટ: કંપનીના ETP (Effluent Treatment Plant) અને STP પ્લાન્ટની કાર્યક્ષમતા તેમજ વેસ્ટવોટર નિકાલની સમગ્ર વ્યવસ્થાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.
• કડક કાર્યવાહી: બહાર નીકળતું પ્રવાહી કયા પ્રકારનું છે અને શું તેની યોગ્ય ટ્રીટમેન્ટ થાય છે કે કેમ તેની તપાસ કરી, જો નિયમોનું ઉલ્લંઘન સાબિત થાય તો કંપની સામે કડક કાયદેસરના પગલાં ભરવામાં આવે.
ઔદ્યોગિક વિકાસના નામે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાય તેમ નથી. હવે જોવાનું એ રહેશે કે GPCB આ મામલે સ્થળ પર જઈને નક્કર અને કડક તપાસ કરે છે કે પછી આ ફરિયાદો પણ માત્ર કાગળ પર જ દોડતી રહેશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here