અંકલેશ્વર GIDC વિસ્તારમાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે. GIDC વિસ્તારના ભડકોદરા ગામ ખાતે આવેલી અયોધ્યા નગર-1 સોસાયટીમાં ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામે આવેલા અયોધ્યા નગર-1માં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. તસ્કરોએ મકાન બંધ હોવાનો લાભ ઉઠાવી ઘરના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઘરમાંથી અંદાજે રૂ.7 લાખની કિંમતની માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

મકાનમાં ચોરી થયાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સોસાયટીના રહીશો એકઠા થઈ ગયા હતા અને આ અંગે તાત્કાલિક અંકલેશ્વર GIDC પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ GIDC પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ અને મકાનનું નિરીક્ષણ કરી ચોરી અંગે પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી હતી.

આ મામલે મકાન માલિક બ્રિજેશ કુમાર પાલે GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તસ્કરો કઈ રીતે મકાનમાં ઘૂસ્યા અને ચોરી કર્યા બાદ કઈ દિશામાં ફરાર થયા તે સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી પોલીસ તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here