જંબુસર તાલુકાના ડાભા ગામમાં વીજ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ગામમાં દરગાહ પાસે આવેલા વીજળીના ટ્રાન્સફોર્મર (ડીપી) પર વેલાઓ અને ઝાડી-ઝાંખરાં ચડી જવાથી ગ્રામજનો અને સ્થાનિક વીજ ગ્રાહકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, ડાભા ગામમાં દરગાહ નજીક આવેલી વીજ ડીપી લાંબા સમયથી વેલાઓ અને ઝાડી-ઝાંખરાંથી ઘેરાયેલી છે. આ વેલાઓ વીજ વાયરો અને ડીપીના મુખ્ય ભાગ સુધી પહોંચી ગયા છે. જેના કારણે ગમે ત્યારે શોર્ટ સર્કિટ થવાની અથવા આગ લાગવાની પૂરી શક્યતા રહેલી છે. આ વિસ્તારમાં લોકોની અવરજવર રહેતી હોવાથી કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
સ્થાનિક ગ્રામજનો અને વીજ ગ્રાહકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે વીજ કંપની દ્વારા સમયસર નિભાવણી (મેન્ટેનન્સ)ની કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે સ્થાનિકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે, “શું વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે?”
કોઈ નિર્દોષ વ્યક્તિ કે પશુ વીજ કરંટનો ભોગ બને તે પહેલાં સંબંધિત વીજ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર તપાસ કરે અને ડીપી પર ચડેલા વેલાઓ તેમજ ઝાડી-ઝાંખરાં દૂર કરાવે તેવી ગ્રામજનોની પ્રબળ માંગ છે.





