નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મંડાળા ગામે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે જીવન સેવા કેન્દ્ર હોસ્ટેલ, અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ માત્ર રમત પૂરતી સીમિત ન રહેતાં એકતા, ભાઈચારો અને સામાજિક સંવાદિતાનું પ્રતીક બની હતી.
દર વર્ષની પરંપરા જાળવીને આ વર્ષે પણ વિવિધ જિલ્લાઓ માંથી ઉપસ્થિત થયેલા જીવન સેવા કેન્દ્રના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આજે કોઈ સરકારી કે ખાનગી નોકરીમાં કાર્યરત છે, તો કોઈ વ્યવસાય અને અન્ય રોજગાર સાથે જોડાયેલું છે. પોતાના કામકાજ અને વ્યસ્ત જીવન માંથી સમય કાઢીને તમામ મિત્રો વર્ષમાં એકવાર એક મંચ પર એકત્રિત થાય છે અને જૂના દિવસોની યાદોને ફરી જીવંત બનાવે છે.
ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ રમતગમતની ભાવના સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ત્યારબાદ સૌએ સાથે મળીને પ્રીતિભોજનનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે એકબીજાના સુખ-દુઃખની વાતો કરી, જૂના સંસ્મરણો વાગોળ્યા અને જરૂરિયાતના સમયે એકબીજાને મદદરૂપ થવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.
નોકરી, વ્યવસાય અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે પણ વર્ષોથી જળવાઈ રહેલી આ મિત્રતા અને સંગઠનભાવના ખરેખર પ્રશંસનીય છે. જીવન સેવા કેન્દ્રના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી સાબિત કર્યું છે કે શિક્ષણ સંસ્થામાંથી વિદાય લીધા બાદ પણ સંબંધો અને સંસ્કારોનું જોડાણ યથાવત્ રહી શકે છે.
આમ, નવા વર્ષના પ્રથમ દિવસે યોજાયેલું આ આયોજન માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ નહીં, પરંતુ જૂના સંબંધોને વધુ મજબૂત બનાવતું, નવી પેઢીને એકતા અને સંગઠનનો સંદેશ આપતું અનોખું સ્નેહમિલન બની રહ્યું હતું.





