•બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ થયેલ મિલકત ખરીદનાર વિમાસણમાં મુકાયા
ભરૂચ તાલુકાના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં સર્વે નં. ૧૨૭/૧ માં બનેલ મલ્હાર ગ્રીન સીટી સોસાયટીમાં ૫૫ યુનિટ બાંધકામની બોડા( ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી) દ્વારા પરવાનગી આપવામાં આવી છે. ત્યારે આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ રાજેશ પંડિત દ્વારા યોજાયેલ પ્રેસ કોંફરન્સ દરમિયાન માહિતી આપી હતી કે મલ્હાર ગ્રીન સીટીમાં બોડા દ્વારા મંજુર કરવામાં આવેલ નકશા મુજબ બાંધકામ થયું છે કે નહીં તે માટે અઢી વર્ષ પૂર્વે માહિતી માંગી હતી જેમાં ખુલાસા થયો હતો કે સર્વે નં. ૧૨૭/૧ માં કોમનપ્લોટની જગ્યામાં બિલ્ડર દ્વારા બોડા દ્વારા મળેલ પરવાનગીની ઉપરવટ જઈ ૧૫ થી વધુ યુનિટોનું બાંધકામ થયેલ છે. જેથી અરજદારની અરજી અને પુરાવાને ધ્યાને લઇ બોડા અધિકારી બિપિન ગામીતે બિલ્ડરને તા.૨૭.૧૦.૨૦૨૧ ના રોજ નોટિસ પાઠવી બનેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કરવા જણાવ્યું હતું.
પણ બિલ્ડર દ્વારા આજદિન સુધી બાંધકામ દૂર નહિ કરતાં તેમજ બોડા કચેરી દ્વારા સમય પસાર કરી બિલ્ડરને રાહત આપતા હોય તેમ દેખાઈ આવે છે. જેથી આવા ગેરકાયદેસર બાંધકામ બોડા કચેરીના અધિકારી જાતે જ ગેરકાયદેસર બાંધકામ તત્કાલિક ધોરણે દૂર કરી અરજદારને ન્યાય આપવામાં આવે તેમ જણાવ્યું હતું. તેમજ બોડા અધિકારીને ખુલ્લી ચેલેન્જ આપી જણાવ્યું હતું કે ભરૂચમાં ગેરકાયદેસર બાંધકામ અસંખ્ય છે જેના રોડ રસ્તાઓ ઉપર ટ્રાફિક જામ થવા માટે જવાબદાર છે. જેથી અધિકારી પોતાની જવાબદારી સ્વીકારી ગેરકાયદેસર બાંધકામને અટકાવે અને થયેલ દબાણોને દૂર કરી ભરૂચની જનતાને ન્યાય આપેની માંગ પણ કરાઇ હતી.